Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ઉલ્ટા ચોર કોતવાલ કો ડાંટે!

ભાગેડુ મેહુલ ચોકસીએ ભારતીય એજન્સીઓ પર અપહરણનો લગાવ્યો આરોપ

નવી દિલ્હી,તા. ૧૬ : ભાગેડું ઉદ્યોગપતિ મેહુલ ચોકસીએ એન્ટીગુઆ અને બાર્બુડા પરત ફર્યા બાદ ભારતીય એજન્સીઓ પર અપહરણ કરવાનો આરોપ લગાવ્યો છે. ચોકસીએ કહ્યું કે, તેના મસ્તિષ્ક પર મોટી ઈજા પહોંચી છે, ભારતીય એજન્સીઓ આ માટે જવાબદાર છે, જેમણે મારુ અપહરણ કરવાનો પ્રયાસ કર્યો.

ચોકસી કહે છે કે, હું દ્યરે પાછો આવ્યો છું પરંતુ આ ત્રાસથી મારા શરીર અને માનસ ઉપર હંમેશા ઇજા રહેશે, હું કલ્પના કરી શકતો નથી કે મારા બધા ધંધા બંધ કર્યા પછી, બધી મિલકતો જપ્ત કર્યા બાદ, ભારતીય એજન્સીઓ મારુ અપહરણ કરવાનો પ્રયાસ કરશે. મેહુલ ચોકસીએ કહ્યું કે, મેં વારંવાર ભારતીય એજન્સીઓને એન્ટિગુઆ આવીને મારા વિશે પૂછપરછ કરવા જણાવ્યું છે કારણ કે હું બીમાર છું અને મુસાફરી કરવામાં અસમર્થ છું. હું હંમેશા ભારતીય એજન્સીઓને સહયોગ આપવા તૈયાર હતો પરંતુ મારી સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું છે, મારું અપહરણ કરવામાં આવ્યું, મેં કયારેય વિચાર્યું ન હતું કે ભારતીય એજન્સીઓ મારી સાથે આવુ કરશે. હું ભારત પાછો આવીને મારી નિર્દોષતા સાબિત કરવા માંગતો હતો, પરંતુ છેલ્લા ૫૦ દિવસમાં મારી મેડિકલ કંડીશન વધુ કથળી છે. હું ભારતમાં મારી સલામતી અંગે પણ ચિંતિત છું. હું જાણતો નથી કે હવે હું સામાન્ય સ્થિતિમાં ફરી શકીશ કે નહીં.મેહુલ ચોકસી ૨૦૧૮ થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહે છે. ભારતથી ભાગી ગયા પછી તેણે આ દેશની નાગરિકતા લીધી છે. મેહુલ ચોકસી છેલ્લા ૫૧ દિવસથી ડોમિનિકા જેલમાં બંધ હતો, આક્ષેપ હતો કે, તે ગેરકાયદેસર રીતે ડોમિનિકા પહોંચ્યો હતો. સોમવારે, મેહુલ ચોકસીને ડોમિનિકા કોર્ટે જામીન આપી દીધા હતા અને તેને એન્ટિગુઆમાં પરત જવાની મંજૂરી આપી હતી, જયાં તે તેની સારવાર કરાવી શકે. ચોકસીએ ૧૦,૦૦૦ ઈસ્ટ કેરેબિયન ડોલરની રકમ સુરક્ષા તરીકે જમા કરી હતી, જે ભારતમાં આશરે ૨.૭ લાખ રૂપિયા છે, ત્યારબાદ તે ચાર્ટર પ્લેનમાં એન્ટિગુઆ પાછો રવાના થયો, તે દરમ્યાન તેણે બ્લુ શર્ટ અને શોર્ટ્સ પહેર્યા હતા. જામીન અરજીની સાથે ચોકસીએ તેનો સીટી સ્કેન રિપોર્ટ પણ બતાવ્યો હતો, તેના ડોકટરએ તેની તબીબી તપાસ માટે તાત્કાલિક આવવાનું કહ્યું છે. નોંધનીય છે કે ચોકસી પર ભારતમાં પંજાબ નેશનલ બેંક સાથે ૧૩,૫૦૦ કરોડનાં કૌભાંડનો આરોપ છે.

(2:32 pm IST)