Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

FDAએ આપી ચેતવણી

જહોન્સન એન્ડ જહોન્સનની કોરોના વેકિસનથી લકવો થવાનો ખતરો!

નવી દિલ્હી,તા.૧૬: અમેરિકામાં જહોન્સન એન્ડ જહોન્સનની કોરોના વેકિસનને લઇને ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને એક ચેતવણી જાહેર કરી છે. સંસ્થાના જણાવ્યા અનુસાર, આ વેકિસનથી ખૂબ દુર્લભ ન્યૂરોલોજીકલ સ્થિતિ ગુલિયન બેરી સિંડ્રોમનો ખતરો વધી શકે છે. FDAની આ ચેતવણી બાદ વેકિસનને મોટો ફટકો લાગ્યો છે. મહત્ત્વનું છે કે, આ પહેલી વખત નથી જેમાં જહોન્સન એન્ડ જહોન્સનની વેકિસન પર સવાલો ઊભા થયા હોય. આ પહેલા પણ આ વેકિસનના કારણે લોહી ગંઠાઇ જવાની વાતો પણ સામે આવી ચૂકી છે.

એક અહેવાલમાં વિશેષજ્ઞોનો હવાલો આપી જણાવવામાં આવ્યું હતું કે, નિયમનકારો અનુસાર આ પ્રકારની સ્થિતિ વિકસિત થાય તેવી સંભાવના ખૂબ ઓછી છે. જયારે અમેરિકાની સામાન્ય વસ્તીની સરખામણીએ જહોન્સન એન્ડ જહોન્સનની વેકિસન મેળવનારા લોકોમાં તેની સંભાવના ૩ થી ૫ ગણી વધુ જોવા મળે છે. અધિકારીઓને કંપનીની રસી લેનાર લોકોમાં ગુલિયન બેરી સિંડ્રોમના ૧૦૦ શંકાસ્પદ કેસો મળ્યા છે.FDAએ આપેલી જાણકારી અનુસાર તેમાંથી ૯૫ ટકા કેસ ગંભીર માનવામાં આવી રહ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર છે. અમેરિકામાં વેકિસનના તમામ ડોઝ લેનાર લગભગ ૧.૨૮ કરોડ કે ૮ ટકા લોકોને જહોન્સન એન્ડ જહોન્સનનો ડોઝ અપાયો છે. તેનાથી વિપરિત ૧૪.૬ કરોડ લોકોનું રસીકરણ ફાઇઝર કે મોડર્નાની વેકિસન દ્વારા કરાયું છે.FDAના જણાવ્યા અનુસાર ગુલિયન બેરી સિંડ્રોમ ત્યારે થાય છે, જયારે ઇમ્યૂન સિસ્ટમ નર્વ સેલ્સને નુકસાન પહોંચાડે છે, જેનાથી સ્નાયુઓમાં નબળાઇ આવે છે અને કયારેક લકવો પણ થઇ જાય છે. અમેરિકામાં પ્રતિ ૧૦ લાખમાં લગભગ ૧૦ લોકોને આ સમસ્યા થાય છે. જોકે, ગંભીર લક્ષણોનો સામનો કરી રહેલ મોટાભાગના લોકો આ સમસ્યાથી બહાર આવી જાય છે.

(2:29 pm IST)