Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ભારતમાં દર ત્રીજા વયસ્કને અપાઇ ગયો રસીનો એક ડોઝ

૩૯ કરોડ ડોઝ અપાયા પછી પણ હજુ ૧૪૯ કરોડ ડોઝની જરૂરીયાતઃ કંપનીઓ દ્વારા સપ્લાયની મંદગતિ

નવી દિલ્હી, તા.૧૬: ભારતમાં દર ત્રીજી વયસ્ક વ્યકિતને ઓછામાં ઓછો એક ડોઝ અપાઇ ચૂકયો છે. દેશમાં ૧૮ વર્ષથી વધુ વયના લોકોની વસ્તી ૯૪ કરોડ છે. તેમાંથી ગુરૂવારે સવારે સાત વાગ્યા સુધીમાં ૩૧.૩૫ કરોડ લોકોને પહેલો ડોઝ મળી ચૂકયો છે. સાત કરોડ ૭૮ લાખ લોકો બંને ડોઝ લઇ ચૂકયા છે. પણ ભારતની વસ્તીને જોતા તે અપૂરતું છે.

એટલે સરકારે ખામીઓને ધ્યાનમાં રાખીને ડીસેમ્બર સુધીમાં ૧૩૫ કરોડ ડોઝ સુનિશ્ચિત કરવાના પ્રયત્નો તેજ કરી દીધા છે. આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ રસીકરણ અભિયાનને સૌથી વિશાળ ગણાવતા કહયું કે વિશ્વના કોઇ દેશમાં અત્યાર સુધીમાં આટલી રસી નથી મુકાઇ. ચીનમાં ૧૦૫ કરોડ ડોઝ લગાવાયા બાબતે પુછતા તેમણે કહયું કે ચીનના ડેટા પર કોઇને વિશ્વાસ નથી એટલે તેની સાથે સરખામણી ના થઇ શકે.

અધિકારીએ કહયું કે દુનિયામાં સૌથી વધારે રસી લગાવવામાં બીજા નંબરે અમેરિકા છે. ત્યાં ૩૩.૫ કરોડ ડોઝ અપાયા છે. બ્રિટનમાં ૮.૧૧ કરોડ, ફ્રાંસમાં ૬.૨૩ કરોડ, બ્રાઝીલમાં ૧૧.૭૨ કરોડ અને જર્મનીમાં ૮.૪૧ કરોડ ડોઝ અપાયા છે. આ અધિકારી અનુસાર, ભારતનું રસીકરણ અભિયાન વિશાળ છે એટલું જ નહીં સૌથી ઝડપી ગતિએ ચાલી રહયું છે. અત્યારે દુનિયામાં રોજના સરેરાશ ત્રણ કરોડ ડોઝ અપાય છે તેમાંથી ૩૮ લાખ ડોઝ તો ભારતમાં જ અપાય છે.

તેમણે કહયું કે ત્રીજી લહેરની આશંકા વચ્ચે બને તેટલા જલ્દી મોટી સંખ્યામાં રસીકરણ જરૂરી છે. ગુરૂવારે સવાર સુધીમાં ૩૯.૧૩ કરોડ ડોઝ લાગી ગયા છતાં હજુ ૧૪૯ કરોડ ડોઝની જરૂર પડશે. સરકાર તે સમજે છે એટલે જ ડીસેમ્બર સુધીમાં ૧૩૫ કરોડ ડોઝ આપવાનું સુનિશ્ચિીત કરાઇ રહયું છે. આના માટે કંપનીઓએ ઉત્પાદનની ગતિ વધારવી પડશે. કંપનીઓએ જુલાઇમાં ૧૮ કરોડ ડોઝની સામે ૧૩.૫ કરોડ ડોઝ સપ્લાય કર્યા હતા. જુલાઇમાં ૧૮ કરોડ ડોઝની સામે ૧૩.૫ કરોડ ડોઝ સપ્લાય કર્યા હતા. જુલાઇમાં ભલે સપ્લાય ઓછો થયો પણ ઓગષ્ટથી રસીનું સપ્લાય વધવાનું નક્કી છે.

(12:40 pm IST)