Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની આશંકાઃ બીજી લહેર જેટલી તીવ્ર નહીં હોય : ICMR

WHO ચેતવણી આપી કે કોવિડ -૧૯નો ડેલ્ટા વેરિેએન્ટ ત્રીજી લહેરનું કારણ બની શકે છે

નવી દિલ્હી,તા. ૧૬: કોરોનાની બીજી લહેરનો કહેર ઓછા થયા બાદ અનેક રાજયોમાં અનલોકની શરૂઆત થઈ ગઈ છે. લોકડાઉન ખુલતા પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે. સંભવિત ત્રીજી લહેર વચ્ચે કોરોના ગાઇડલાઇનનો ભંગ કરતી મનાલી, મસૂરી, શિમલાથી આવેલી તસવીરોએ ચિંતા ઉભી કરી દીધી છે. આ બધા વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ ઓગસ્ટ મહિનામાં ત્રીજી લહેર આવવાની આશંકા વ્યકત કરી છે. એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા ICMR માં મહામારી વિજ્ઞાન અને સંક્રામક રોગોના પ્રમુખ ડોકટર સમીરન પાંડાએ કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર ઓગસ્ટના અંતમાં આવવાની આશંકા છે. પરંતુ આ બીજી લહેર જેટલી તીવ્ર હશે નહીં.

 કોરોના કેસમાં વધારાની ગંભીરતાને ઓછી કરવી સીધી રીતે સુપર સ્પ્રેડર ઇવેન્ટને રોકવા સાથે જોડાયેલ છે. તો સ્વાસ્થ્ય મંત્રાલયે પણ લોકોને ચેતવતા કહ્યું કે, કોરોનાની સંભવિત ત્રીજી લહેરની ભવિષ્યવાણીને હવામાન અપડેટના રૂપમાં ન લે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠઠને (WHO) ચેતવણી આપી કે કોવિડ-૧૯ના ડેલ્ટા વેરિએન્ટ ત્રીજી લહેરનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોવિડ-૧૯ સાપ્તાહિક મહામારી વિજ્ઞાન સંબંધી અપડેટમાં કહ્યું કે, ડેલ્ટા સ્વરૂપને કારણે કોવિડ-૧૯ના કેસ વધવાની જાણકારી ડબ્લ્યૂએચઓની અંતર્ગત આવતા બધા ક્ષેત્રોમાં સામે આવી છે.

દુનિયાભરમાં આલ્ફા સ્વરૂપની ૧૭૮ દેશો કે ક્ષેત્રોમાં પુષ્ટિ થઈ છે જયારે બીટા  સ્વરૂપ ૧૨૩ દેશો અને ગામા સ્વરૂપ ૭૫ દેશોમાં સામે આવ્યું છે. અપડેટમાં કહેવામાં આવ્યું છે કે ડેલ્ટા સ્વરૂપની સંક્રામક ક્ષમતા અત્યાર સુધી સામે ચિંતાના અન્ય સ્વરૂપો (વીઓસી) ની તુલનામાં ધણી વધારે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વધી રહેલી સંક્રામકતાનો અર્થ છે કે આવનારા મહિનામાં દુનિયાભરમાં મુખ્ય સ્વરૂપ બનવાનું છે.

તો ૧૩ જુલાઈએ નીતિ આયોગના સભ્ય ડો. વીકે પોલે કહ્યુ હતુ કે દુનિયાના કેટલાક ભાગમાં કોવિડની ત્રીજી લહેરના સંકેત જોવા મળી રહ્યાં છે. કારણ કે વિશ્વમાં લગભગ ૩.૯ લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. ડો પોલે કહ્યુ કે, આ વર્ષની શરૂઆતમાં બીજી લહેર દરમિયાન વૈશ્વિક સ્તર પર સંક્રમણના લગભગ ૯  લાખ કેસ સામે આવી રહ્યા હતા.

ભારતમાં ભરે કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વ્યકત કરવામાં આવી રહી છે, પરંતુ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તે આવી ગઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) ના પ્રમુખ ટેડ્રોસ અધાનોમ ગેબ્રેયેસસે બુધવારે કહ્યુ કે, કોરોનાની ત્રીજી લહેર પોતાના શરૂઆતી તબક્કામાં છે. વિશ્વમાં કોરોનાના કેસ અને મોતના વધી રહેલા આંકડાને લઈને તેમણે આ વાત કહી છે. ટેડ્રોસે કહ્યુ- દુર્ભાગ્યથી આપણે કોરોના સંક્રમણની ત્રીજી લહેરના શરૂઆતી તબક્કામાં છીએ. વિશ્વમાં કોરોના સંકટનો સામનો કરવા બનેલી ઇમરજન્સી કમિટીને સંબોધિત કરતા WHO પ્રમુખે આ વાત કહી છે. 

(11:03 am IST)