Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નવું 'કમ્પોઝિટ LPG-સિલિન્ડર' : ગેસનું લેવલ ચેક કરી શકાય

સ્ટીલના સિલિન્ડર કરતાં નવું સિલિન્ડર વજનમાં ૫૦ ટકા હલકું છે એની બોડી પારદર્શક છે, જેથી એમાં કેટલો ગેસ બાકી છે એ જોઇ શકાય છે અને એ પ્રમાણે તમે નવા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો

મુંબઇ,તા.૧૬ : સ્માર્ટ કે મોડર્ન કીચનના ટ્રેન્ડને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકાર હસ્તકની ઓઇલ માર્કેટિંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (આઇઓસી)એ તેના ગ્રાહકો માટે એક નવું ગેસ સિલિન્ડર લોન્ચ કર્યું છે. આને તેમણે કમ્પોઝિટ સિલિન્ડર નામ આપ્યું છે. આની વિશેષતા એ છે કે એમાં તેમ ગેસ કેટલો બચ્યો છે અને કેટલો વાપર્યો છે એ જાણો શકો છો.

સામાન્ય ગેસ સિલિન્ડર કરતાં ઇન્ડેન કમ્પોઝિટ સિલિન્ડર વધારે મજબૂત અને સુરક્ષિત છે. અને નિર્માણ ત્રણ સ્તરમાં કરવામાં આવ્યું છે. એક સ્તર બ્લો -મોલ્ડ હાઇ-ડેન્સિટી પોલીઇથાઇલીન (HDPE)નું છે. એની પર પોલીમરથી વીંટાળેલા ફાઇબરગ્લાસનું લેયર હોય છે અને બહારનું સ્તર HDPE વાળુ હોય છે. આઇઓઅસીની વેબસાઇટ પર જણાવ્યા મુજબ, હાલના સ્ટીલના સિલિન્ડર કરતા આ નવા સિલિન્ડરના ઘણા ફાયદા છે. સ્ટીલના સિલિન્ડર કરતાં નવું સિલિન્ડર વજનમાં ૫૦ ટકા હલકું છે એની બોડી પારદર્શક છે, જેથી એમાં કેટલો ગેસ બાકી છે એ જોઇ શકાય છે અને એ પ્રમાણે તમે નવા ગેસ સિલિન્ડરનું બુકિંગ કરાવી શકો. આ સિલિન્ડરમાં કાટ નથી લાગતો. આમાં પોપડા ઉખડતા નથી કે જમીન પર કોઇ પ્રકારના ડાઘ પડતા નથી નવા સિલિન્ડરો હાલ દિલ્હી, ગુરૂગ્રામ, હૈદરાબાદ, ફરીદાબાદ અને લુધિયાણામાં જ ઉપલબ્ધ છે. પરંતુ ટૂંક સમયમાં જ એને આખા દેશમાં વેચાણ હેઠળ મુકવામાં આવશે. આ સિલિન્ડર પાંચ અને ૧૦ કિલો ગેસ સાઇઝમાં મળે છે. ૧૦ કિલોવાળુ સિલિન્ડર માત્ર ઘરેલુ, બિન સબિસડીવાળી કેટેગરીના ગ્રાહકો માટે છે. જ્યારે પાંચ કિલોવાળુ સિલિન્ડર ઘરેલુ, નોન સબ્સિડી શ્રેણી અંતર્ગત ફ્રી -ટ્રેડ એલપીજી મારફત અપાશે.

ગ્રાહકો જૂના સિલિન્ડરોની જગ્યાએ નવું સિલિન્ડર મેળવી શકશે. એ માટે તેમણે સિકયોરિટી ડિપોઝીટ આપવાની રહેશે. ૧૦ કિલોવાળા સિલિન્ડર માટે રૂ.૩,૩૫૦ની સિકયોરિટી ડિપોઝીટ છે. જ્યારે પાંચ કિલોવાળા માટે રૂ. ૨,૧૫૦ છે. ઇન્ડેન કંપનીના ગ્રાહકો એમનું વર્તમાન સિલિન્ડરને નવા સિલિન્ડર માટે એકસચેન્જ કરી શકશે. એ માટે તેમણે સિકયોરિટી ડીપોઝીટની બેલેન્સ રકમ ચૂકવવાની રહેશે. સામાન્ય ગેસ સિલિન્ડરોની જેમ જ નવા કમ્પોઝિટ સિલિન્ડરની પણ હોમ ડિલિવરી કરાય છે.

(11:03 am IST)