Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

૨૪ કલાકમાં ૩૮,૯૪૯ નવા કેસઃ ૫૪૨ દર્દીઓએ જીવ ગુમાવ્યો

રિકવરી રેટ સુધરીને ૯૭.૨૮% થયોઃ કુલ ૩૯ કરોડ ૫૩ લાખ લોકોને અપાઈ રસી

નવી દિલ્હી, તા.૧૬: ભારતમાં કોરોના વેકસીનેશન અભિયાન ધીમું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ગુરૂવારના ૨૪ કલાકમાં માત્ર ૩૮.૭૮ લાખ લોકોને ડોઝ આપવામાં આવ્યો છે. હજુ સુધી દેશમાં કોરોના વેકસીનેશનનો આંક ૪૦ કરોડ સુધી જ પહોંચી શકયો છે. બીજી તરફ, કોવિડ રિકવરી રેટ ૯૭.૨૮ ટકા થયો છે, જે રાહતની બાબત છે. આ ઉપરાંત પોઝિટિવિટી રેટ ૫ ટકાથી ઓછો એટલે કે ૨.૧૪ ટકા છે. બીજી તરફ, ભારતમાં કુલ ૪૪ કરોડ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ અત્યાર સુધીમાં કરવામાં આવ્યું

સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૩૮,૯૪૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ ના કારણે ૫૪૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૧૦,૨૬,૮૨૯ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૯,૫૩,૪૩,૭૬૭ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે. એક દિવસમાં ૩૮,૭૮,૦૭૮ લોકોને રસી આપવામાં આવી છે

 કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૩ કરોડ ૧ લાખ ૮૩ હજાર ૮૭૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૪૦,૦૨૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૪,૩૦,૪૨૨ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૪,૧૨,૫૩૧ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૩૮ કેસ નોંધાયા છે. જેની સામે ૯૦ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજયમાં કોવિડ-૧૯દ્ગક્ન કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજયમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૭૪ થયો છે. રાજયમાં સાજા થવાનો દર ૯૮.૭૦ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૮૭,૫૪,૨૫૭ ડોઝ કોરોના વેકસીનના આપવામાં આવ્યા છે. ગુરૂવારે ૩,૮૬,૭૧૨ વ્યકિતઓનું રસીકરણ થયું છે.

(10:59 am IST)