Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

વિદિશામાં મોટી દુર્ઘટના : ૫૦ ફૂટ ઉંડા કૂવામાં પડ્યા બે ડઝનથી વધુ લોકો : ત્રણના મોત

ગંજબાસૌદામાં ગુરૂવારે રાતે કૂવામાં એક બાળક પડી જવાથી ઉમટી પડેલી ભીડના કારણે કૂવો ધસી પડતા બે ડઝનથી વધુ લોકો કૂવામાં પડ્યા

વિદિશા,તા.૧૬: મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લાના ગંજબાસૌદામાં ગુરુવારે રાતે કૂવામાં એક  બાળક પડી જવાથી ઉમટી પડેલી ભીડના કારણે કૂવો ધસી પડતા બે ડઝનથી વધુ લોકો કૂવામાં પડ્યા, અને કાટમાળમાં દટાયા. જેમાંથી ૧૬ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જયારે ૩ લોકોના આ દુર્ઘટનામાં દર્દનાક મોત થયા છે. બચાવ કાર્ય મોડી રાતે પણ ચાલુ રહ્યું હતું. ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ અપાયા છે.

જો કે હજુ એ જાણી શકાયું નથી કે કુલ કેટલા લોકો આ કાટમાળ નીચે દટાયા છે. આ કૂવો લગભગ ૫૦ ફૂટ  ઊંડો છે અને ૨૦ ફૂટ સુધી પાણી હોવાનું કહેવાય છે. જિલ્લાના પ્રભારી મંત્રી વિશ્વાસ સારંગે ગુરુવારે મોડી રાતે કહ્યું કે અત્યાર સુધીમાં ૧૬ લોકોને બચાવવામાં આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ કૂવાના પાણીને મશીનથી બહાર કાઢવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે બચાવ અભિયાન ચાલુ છે જેને પૂરું થવામાં સમય લાગશે.

કૂવામાં પડ્યા બાદ બચાવવામાં આવેલા લોકોમાંથી બે લોકોએ કહ્યું કે કૂવામાં એક બાળકીને બચાવતી વખતે આ દુર્ઘટના ઘટી. તેને બચાવવા માટે કેટલાક લોકો કૂવામાં ઉતર્યા જયારે લગભગ ૪૦થી ૫૦ લોકોની ભીડ તેમની મદદ અને જોવા માટે કૂવા પાસે ભેગી થઈ ગઈ. આ દરમિયાન કૂવાની પાળીનો ભાગ ધસી પડ્યો અને લગભગ ૨૫થી ૩૦ લોકો કૂવામાં પડ્યા.

તેમણે કહ્યું કે તેમના બે સહિત લગભગ ૧૨ લોગોને ત્યાં હાજર ગ્રામીણોએ કૂવામાંથી રસીની મદદથી બહાર કાઢ્યા અને બચાવ્યા. બંનેને મામૂલી ઈજા થઈ છે. કૂવાની છત પર લોખંડના જે સળિયા લાગેલા હતા તે ગળી ગયા હતા અને આથી તૂટી ગયા જેના કારણે આ અકસ્માત થયો.

પ્રત્યક્ષદર્શીના જણાવ્યાં મુજબ રાતે લગભગ ૧૧ વાગે બચાવ કાર્યમાં લાગેલું એક ટ્રેકટર પણ કૂવામાં ખાબકયુ. જેના કારણે ચાર પોલીસકર્મીઓ સહિત કેટલાક અન્ય લોકો પણ કૂવામાં પડ્યા. જેમાંથી ૩ પોલીસકર્મીઓ અને અન્ય કેટલાક લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા.

આ ઘટના સાંજે ૬ની આસપાસ ઘટી અને સંજોગોવસાત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગુરુવારે વિદિશામાં જ હતા. તેમની ૩ દત્ત્।ક પુત્રીઓના વિવાહ વિદિશાના ગણેશ મંદિરમાં થયા હતા. ઘટનાની જાણકારી મળતા જ મુખ્યમંત્રીએ ત્યાંના અધિકારીઓને જરૂરી નિર્દેશ આપ્યા. તેમણે દિલ્હી જવાનો કાર્યક્રમ પણ રદ કર્યો અને વિવાહ સ્થળ પર જ કંટ્રોલ રૂમ બનાવીને બચાવ કાર્યનું સતત મોનિટરિંગ કરી રહ્યા છે.

(11:38 am IST)