Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

હૈદરાબાદની હોસ્પિટલોમાં ઓક્સિજનના બેડ ભરાયા

હૈદરાબાદમાં મહામારીના કેસ વધ્યા : હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે, ૧૦,૦૦૦ એક્ટિવ કેસ, ૪૦૭૩ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ

હૈદરાબાદ, તા.૧૫ : દેશભરમાં કોરોનાની બીજી લહેર મંદ પડતી જોવા મળી રહી છે, ત્યારે હૈદરાબાદમાં કોરોનાના કેસો ફરી વધી રહ્યા છે. અહીંની હોસ્પિટલોમાં ઓક્સિજન બેડ કોરોના દર્દીઓથી ભરાવા લાગ્યા છે. જેને પગલે કોરોનાની ત્રીજી લહેર શરૂ થયાનો ભય ઊભો થયો છે. હૈદરાબાદમાં રોજના કેસો ૧૦૦૦થી નીચે નોંધાઈ રહ્યા છે, જ્યારે હજુ ૧૦,૦૦૦ એક્ટિવ કેસ છે અને ૪૦૭૩ દર્દીઓ હજુ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

બુધવારે ઘણી હોસ્પિટલોએ જણાવ્યું કે, તેમને ત્યાં મોટી સંખ્યામાં દર્દીઓ ઓક્સિજન પર છે અને દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. તેલંગણા હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન (ટીએચએએનએ)ના પ્રેસિડન્ટ ડો. કિશન રાવએ જણાવ્યું કે, કેટલીક હોસ્પિટલો પાસે બેડ્સ નથી અને અમે રાહ જોઈ રહ્યા છીએ કે સરકાર તરફથી બંનેને માન્ય હોય તેવા રેટ નક્કી થાય. જોકે, નવા કેસોમાં વધારો થતા બેડ્સ ભરાવાનું શરૂ થઈ ગયું છે અને તેથી લોકોની ભલાઈ માટે બધા મુદ્દાનો ઉકેલ લાવવો જરૂરી છે.' હોસ્પિટલ ઓક્યુપન્સી ડિટેઈલ દર્શાવી રહી છે કે, રાજ્યમાં આવેલા મોટા કોવિડ-૧૯ ટ્રિટમેન્ટ સેન્ટરમાંથી નિઝામ્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં બધી કેટગરીના બેડ્સ ભરાઈ ગયા છે, જેમાં ૫૦ ઓક્સિજન બેડનો પણ સમાવેશ થાય છે. ગાંધી હોસ્પિટલમાં ૩૦ નવા દર્દીઓ સારવાર માટે એડમિટ થયા છે. ચેસ્ટ હોસ્પિટલમાં ૧૪ દર્દીઓ ઓક્સિજન બેડમાં છે, જ્યારે કિંગ કોટી હોસ્પિટલમાં ૩૯ દર્દીઓ ઓક્સિજન પર છે.

સરકાર સંચાલિત ઈએસઆઈ હોસ્પિટલમાં ૧૦ દર્દીઓ ઓક્સિજન પર છે. આ ઉપરાંત શહેરની છ કરતા વધુ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં લોકો ઓક્સિજન બેડ્સ પર સારવાર લઈ રહ્યા છે. બેડની સ્થિતિ ચિંતાજનક છે, ખાસ કરીને ખામ્મમમાં, જ્યાં બધી જ ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. આધારભૂત સૂત્રોએ જણાવ્યું કે, ખામ્મમની સરકારી હોસ્પિટલમાં ૧૦૦ કરતા વધુ બેડ્સ ભરાઈ ગયા છે. નિઝામાબાદમાં પણ ઈન્ટેન્સિવ કેર યુનિટ (આઈસીયુ) બેડ્સમાં પણ દર્દીઓની સંખ્યા વધી છે.

રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થતાં સરકારે હોસ્પિટલોમાં નોન-કોવિડ સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય હાલ પડતો મૂક્યો છે.

(12:00 am IST)