Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

જર્મનીમાં ભારે વરસાદથી પૂરનો પ્રકોપ : 19 લોકોના મોત : ડઝનેક લાપતા : કેટલીય ઈમારતો ધરાશાયી

પૂરથી અનેક કારો વહી ગઈ: ફોન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થતાં રાહત અને બચાવ કામગીરી ખોરવાઈ

જર્મનીમાં ભારે વરસાદને કારણે આવેલા પૂરમાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત નીપજ્યાં છે અને ડઝનેક લાપતા છે. પૂરથી અનેક કારો વહી ગઈ અને કેટલીક ઇમારતો ધરાશાયી થઈ છે .

પશ્ચિમી કાઉન્ટી યુસ્કિરચેનના અધિકારીઓએ જણાવ્યું કે પૂરથી 8 લોકોના મોત નિપજ્યા છે. ફોન અને ઇન્ટરનેટ સેવાઓ પ્રભાવિત થતાં પ્રદેશના આ વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી ખોરવાઈ છે.

કોબલેન્ઝ શહેરમાં પોલીસે ટ્વીટ કર્યું કે અહરવીલર કાઉન્ટીમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે અને લગભગ 50 જેટલા લોકો તેમના ઘરની છત પર ફસાયા છે. તેઓ ત્યાંથી બચાવવાની રાહમાં છે. પોલીસે જણાવ્યું કે શુલડ ગામમાં છ મકાનો રાતોરાત તૂટી પડ્યા. તેમણે કહ્યું, “ઘણા લોકો ગુમ થયા છે.”

પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક ગામડાઓનો સંપર્ક તૂટી પડ્યા પછી હજુ સુધી આ વિસ્તારમાં કેટલું નુકસાન થયું છે તે જાણી શકાયું નથી. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલી વિડિઓમાં પાણીનાં પ્રવાહમાં કાર વહેતી અને કેટલાક સ્થળોએ ઘરોને અંશત: તૂટી પડતી બતાવવામાં આવ્યા છે. કેટલાક દિવસોના ભારે વરસાદ બાદ અધિકારીઓએ આ વિસ્તારમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પશ્ચિમ અને મધ્ય જર્મની તેમજ પડોશી દેશોનાં મોટા ભાગોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે.

પોલીસે જણાવ્યું કે કોલોન, કામેન અને વુપ્પેરટલમાં પૂરના કારણે સર્જાયેલી વિવિધ ઘટનાઓમાં ચાર લોકોનાં મોત થયાં, જર્મન શહેર અલ્ટેનામાં બચાવ કામગીરી દરમિયાન બુધવારે અગ્નિશામક દળનો એક કર્મી ડૂબી ગયો અને એક અન્ય વ્યક્તિ પૂર્વી શહેર જોહસ્તાદતોમાં પૂરથી પોતાની પ્રોપર્ટીને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ગુમ થયો હતો.

(12:00 am IST)