Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

વિકાસ દુબે એન્‍કાઉન્‍ટર બાબતે કોંગ્રેસના પૂર્વ કેન્‍દ્રીય મંત્રી જતીન પ્રસાદે આપ્‍યુ વિવાદીત નિવેદનઃ સરકાર પર સવાલ ઉઠાવ્‍યાઃ ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર અત્‍યાચાર થઇ રહ્યા છે

લખનઉ: વિકાસ દુબે એન્કાઉન્ટરને લઈને કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી રહેલા જિતિન પ્રસાદે ખુબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે સીધી રીતે સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બ્રાહ્મણો પર અત્યાચાર થઈ રહ્યાં છે. જેને લઈને પ્રદેશના બ્રાહ્મણોમાં સરકાર વિરુદ્ધ ખુબ રોષ છે. જિતિન પ્રસાદે કહ્યું કે બ્રાહ્મણ ચેતના સંવાદ દ્વારા તેઓ યુપીના બ્રાહ્મણોને એકજૂથ કરી રહ્યાં છે.

જિતિન પ્રસાદનું એમ પણ કહેવું છે કે વિકાસ દુબે એન્કાઉન્ટર મામલે સુપ્રીમ કોર્ટની નિગરાણીમાં વિશેષ તપાસ થવી જોઈએ. જિતિન પ્રસાદે આરોપ લગાવ્યો કે વિકાસ દુબેને અપરાધી બનાવવામાં સમગ્ર તંત્ર સામેલ છે. એન્કાઉન્ટર પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે વિકાસ દુબેના એન્કાઉન્ટરમાં પોલીસે બંધારણીય રીતે કામ કર્યું નથી. જે કામ ન્યાયપાલિકનું હતું તે કામ ખુદ સરકાર કરી રહી છે. તેમણે સીધો આરોપ લગાવ્યો કે યુપીમાં બ્રાહ્મણ સમાજને નિશાન બનાવીને તેમના પર અત્યાચાર થઈ રહ્યાં છે.

આ અગાઉ વિકાસ દુબે એન્કાઉન્ટર પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ નિવેદન આપ્યા હતાં. તેમણે પણ કેસની તપાસની માગણી કરતા એન્કાઉન્ટરને સમજી વિચારીને રમાયેલી ચાલ ગણાવી હતી.

(5:06 pm IST)