Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કાનપુર એન્‍કાઉન્‍ટરઃ વિકાસ દુબે વિરૂદ્ધ ફરિયાદ નોંધાવનાર રાહુલ તિવારી એકાએક ઘરે પાછો ફર્યો

લખનઉ: ઉત્તર પ્રદેશ એસટીએફ (STF) ના હાથે 10 જુલાઈના રોજ માર્યા ગયેલા કુખ્યાત વિકાસ દુબે વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર રાહુલ તિવારી અચાનક ઘરે પાછો ફર્યો. પોલીસે મંગળવારે મોડી રાતે ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં તેની પૂછપરછ કરી. રાહુલે (Rahul Tiwari)  આખો ઘટનાક્રમ પોલીસ આગળ વર્ણવ્યો. રાહુલે દાવો કર્યો કે એક જુલાઈના રોજ એસઓ વિનય તિવારી સાથે તે બિકરુ ગામ ગયો હતો. ત્યાં વિકાસ તેને મારવા માંગતો હતો પરંતુ એસઓએ જનોઈ દેખાડીને ઈજ્જતની દુહાઈ આપી ત્યારે વિકાસે તેને છોડ્યો હતો.

રાહુલ તિવારીએ જણાવ્યું કે તેના સાસરિયાની જમીન મુદ્દે તેને વિકાસ દુબે સાથે બનતુ નહતું. 27 જૂનના રોજ મોટરસાઈકલ પર તે ઘરે પાછો ફરી રહ્યો હતો. રસ્તામાં વિકાસના સાથીઓએ મોટરસાઈકલ અને પૈસા પણ છીનવી લીધા. ત્યારબાદ તેણે પોલીસ સ્ટેશનમાં રજુઆત કરી. એક જુલાઈના રોજ એસઓ વિનય તિવારીએ કહ્યું કે ચલો કેસની તપાસ કરીએ. ત્યારબાદ તેઓ તેની સાથે ઘટનાસ્થળે ગયા. ત્યાં વિકાસના સાથીઓએ ખુબ મારપીટ કરી અને તેઓની છાતી પર રાઈફલ તાકી દીધી. એસઓ સાહેબને પણ ખુબ ગાળો ભાંડી.

રાહુલ તિવારીએ જણાવ્યું કે 'ત્યારબાદ હાતેમાં વિકાસ દુબેએ અમારી પૂછપરછ કરી અને ગાડી આપી દીધી. અમે દહેશતમાં આવી ગયા કે અમને આ કાલે મારી નાખશે. ત્યારબાદ અમે કેપ્ટનના ત્યાં આવી ગયાં. અહીંથી પોલીસ સ્ટેશન મોકલી દેવાયા. પોલીસ સ્ટેશનમાં એસઓ સાહેબે એક એપ્લિકેશન લખી અને ત્યારબાદ પોલીસ કાર્યવાહી કરવા ગઈ.' 2 જુલાઈની રાતે પડેલી રેડમાં 8 પોલીસકર્મી માર્યા ગયાં.

રાહુલે જણાવ્યું કે 'મારા સાસરાની ખેતીનો મામલો હતો. ફોઈની નિયત ખરાબ છે. મારા સસરાની બહેનના છોકરા સુનિલ કુમારના લગ્ન બિકરુમાં બાલગોવિંદનાં ત્યા થયા હતાં. બાલ ગોવિંદ અને વિકાસ દુબે નીકટના સાથી હતા. એમાં જ આ બધુ થયું. વાંરવાર ખેતી છોડવાનું કહેતા હતાં. વિકાસના જે સાથીઓએ મને માર્યો હતો તેમાં શિવમ, બાલ ગોવિંદ, અતુલ દુબે, સુનિલ કુમાર, અમર દુબે સામેલ હતાં. વિકાસ દુબે ખુબ મોટો આતંકી હતો.'

તેમણે જણાવ્યું કે ઘટના બાદ તેઓ દહેશતમાં આવી ગયા હતાં અને તેઓએ મોબાઈલ બંધ કરી દીધો હતો. આથી ગાયબ થઈ ગયો હતો. એન્કાઉન્ટર બાદ તે કેપ્ટન સાહેબ પાસે પહોંચ્યો અને જણાવ્યું ત્યારે કેપ્ટને અમારા માટે ગનરની વ્યવસ્થા કરી અને અમે અમારા ગામ પહોંચી શક્યા.

નોંધનીય છે કે કુખ્યાત વિકાસ દુબે વિરુદ્ધ જંગ છેડનાર વ્યક્તિ રાહુલ તિવારી છેલ્લા 12 દિવસથી ગાયબ હતો. રાહુલ તિવારીએ જ વિકાસ દુબે વિરુદ્ધ ચૌબેપુર પોલીસ સ્ટેશનમાં 30 જૂનના રોજ રિપોર્ટ લખાવી હતી. જેના આધારે પોલીસ રેડ મારવા ગઈ હતી અને આ અથડામણમાં 8 પોલીસકર્મી શહીદ થયા હતાં.

(5:00 pm IST)