Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ફ્રાન્સમાં પર્વતો પિગળતા પાંચ દાયકા જુના ભારતીય અખબારો મળ્યા

એર ઈન્ડિયાનું વિમાન ૧૯૬૬માં દુર્ઘટના ગ્રસ્ત બનેલું, જેમાં ૧૧૭ મુસાફરોના મૃત્યુ થયા હતા : નેશનલ હેરાલ્ડ અને ઈકોનોમીક ટાઈમ્સના ન્યુઝ પેપરો પણ મળ્યાઃ જેમાં ઈન્દીરા ગાંધી પક્ષના નેતા ચૂંટાયા અને દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા એવા સમાચાર પ્રથમ પાને છપાયેલા છે : આ વિમાન દુર્ઘટનામાં હોમી જહાંગીર ભાભાનું પણ અવસાન થયેલું: તેઓએ ઓલ ઈન્ડિયા રેડિયોમાં કહેલું કે જો મંજૂરી મળે તો' દેશ ૧૮ મહિનામાં અણુબોંબ બનાવી શકેઃ આ અહેવાલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશીત થયેલો

ફ્રાન્સની આલ્પસ પર્વતશૃંખલામાં બરફ પીગળતાં, ભારતીય અખબારો નીકળી આવ્યાં છે. એના પરની તારીખ તથા તેના સમાચારે અનેક જૂની કહાણીઓ તથા 'ષડયંત્રની  સંભાવના'ની કહાણીઓ ઉપરની ધૂળ ખંખેરી છે.

ચૌમોનિકસ સ્કી રિસોર્ટ વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવનારા ટીમોથી મોટીને આ અખબાર સૌ પહેલાં જોયાં.  આ અખબારનો સીધો સંબંધ એર ઇન્ડિયાના 'કાંચનજંઘા' વિમાન સાથે હોવાનું માનવામાં આવે છે.

તા. ૨૪ જાન્યુઆરી ૧૯૬૬ એર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં ૧૧૭ પેસેન્જર મૃત્યુ પામ્યાં હતાં.

એ દુર્ઘટનામાં ભારતના પરમાણુ વિજ્ઞાની હોમી ભાભાનું મૃત્યુ થયું હતું અને ભારતના પરમાણુ કાર્યક્રમને આંચકો લાગ્યો હતો. એ દુર્ઘટના પાછળ અનેક આશંકા વ્યકત કરવામાં આવે છે.

શું છે અખબારમાં?

ન્યૂઝ એજન્સી એ.એફ.પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું, હાલ અખબાર સારી સ્થિતિમાં છે, તેને સૂકવવા માટે મૂકયાં છે, પરંતુ આપ એને વાંચી શકો છો.

ટીમોથીને 'નેશનલ હેરાલ્ડ' તથા 'ઈકોનોમિક ટાઇમ્સ'ની નકલો મળી છે. ટીમોથીના કહેવા પ્રમાણે, તેઓ આ અખબારને તેમની રેસ્ટોરાંમાં પ્રદર્શન અર્થે મૂકશે.

અખબારના 'નેશનલ હેરાલ્ડ'ના પહેલા પાને 'ઈન્દીરા ગાંધી પક્ષનાં નેતા ચૂંટાયા'નું મથાળું છે, જયારે અન્ય સમાચારમાં 'દેશ પ્રથમ મહિલા વડા પ્રધાન' એવા બીજા અહેવાલ છે.

તેમણે દુર્ઘટનાસ્થળેથી મળેલી અનેક ચીજો પ્રદર્શન અર્થ મૂકી છે. જેમાં પન્ના, નીલમ તથા માણેક ભરેલું બોકસ પણ સામેલ છે. વર્ષ ૨૦૧૩માં તેની કિંમત એક લાખ ૪૭ હજાર ડોલરથી બે લાખ ૭૯ હજાર ડોલર વચ્ચેની અંદાજવામાં આવી હતી.

ભાભાના મૃત્યુ અને ષડયંત્રની કહાણીઓ

૧૯૬૬મૃત્યુ થયું તેના ગણતરીના મહિના પહેલાં હોમી જહાંગીર ભાભાએ 'ઓલ ઇન્ડિયા રેડિયો' ઉપરથી કહ્યું હતું કે 'જો મંજૂરી મળે તો દેશ ૧૮ મહિનાની અંદર અણુબોમ્બ બનાવી શકે છે.'

ભાભા ઇચ્છતા હતા કે દેશ પાસે કૃષિ, ઊર્જા તથા તબીબીક્ષેત્રના ઉપયોગ માટે અણુ કૌશલ્ય હોવું જોઈએ અને તેના સાથે સૈન્યક્ષમતા પણ કેળવવી જોઈએ.

આ સંદર્ભનો એક અહેવાલ અંગ્રેજી અખબાર 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' પ્રકાશિત થયો છે.

અમેરિકાની ગુપ્તચર સંસ્થાના સી.આઈ.એ. (સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના એજન્ટ રોબર્ટ ક્રાઉલીએ પત્રકાર ગ્રેગરી ડગલસ સાથે વાતચીતમાં એ વાતના અણસાર આપ્યા હતા કે એ દુર્દ્યટનામાં સી.આઈ.એનો હાથ હતો.

તમે જાણતા હશો કે ૧૯૬૦ના દાયકામાં આપણી (અમેરિકા) અને ભારતની વચ્ચે તણાવભર્યા સંબંધ પ્રવર્તતા હતા, ભારતે અણુબોમ્બ બનાવવાની શરૂઆત કરી હતી.....અને તેઓ રશિયા સાથે સુંવાળા સંબંધ ધરાવતા હતા.

હોમી ભાભાના સંદર્ભમાં તેઓ કહે છે, 'મારૃં માનો તો તે (ભાભા) બહુ ખતરનાક હતો. તેનું અકસ્માતે મૃત્યુ થયું. વધુ સમસ્યા ઊભી કરવા માટે તે વિયેના જઈ રહ્યો હતો ત્યારે બોઇંગ ૭૦૭ વિમાનનો કાર્ગો વિસ્તારમાં ધડાકો થયો.'

ભાભાનું મૃત્યુ થયું તેના લગભગ એક પખવાડિયા પહેલાં ૧૧જ્રાક જાન્યુઆરીના દિવસે તત્કાલીન યુ.એસ.એસ.આર.ના તાશ્કંદમાં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું સંદેહાસ્પદ રીતે મૃત્યુ થયું હતું તેમના મૃત્યુના વિશે પણ અનેક પ્રકારની થિયરી પ્રવર્તે છે.

આ દુર્ઘટનાને કારણે ભારતના અણુકાર્યક્રમને આંચકો લાગ્યો અને ૧૮મી મે, ૧૯૭૪ના દિવસે ભારતે અણુપરીક્ષણ કરીને પોતાની શકિતનો પરીચ આપ્યો. ૨૪ વર્ષ પછી ફરી એક વખત ભારતે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં અણુ ધડાકા કર્યા.

ઇન્દિરાની યાદ તાજી કરાવી

૨૪ જાન્યુઆરી ૧૯૬૬ના દિવસે ઇન્દિરા પ્રથમ વખત વડાં પ્રધાન બન્યાં. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરૂના પુત્રી ઇન્દિરા ગાંધી ૧૫ વર્ષ સુધી ભારતનાં વડાં પ્રધાનપદે રહ્યાં. તેમણે ૧૯૬૬ થી ૧૯૭૭ એમ ૧૧ વર્ષ સુધી વડાં પ્રધાનનું પદ સંભાળ્યું, જેમાં ૧૯૭૫ થી ૧૯૭૭ દરમિયાન તેમણે દેશ ઉપર કટોકટી લાદી હતી.

ત્રણ વર્ષ સુધી સત્તાથી વંચિત રહ્યા બાદ જાન્યુઆરી-૧૯૮૦માં તેઓ ફરી એક વખત ભારતનાં વડાં પ્રધાન બન્યાં. પંજાબમાં શીખ ઉગ્રપંથીઓ ઉપર કાબૂ મેળવવા માટે તેમણે 'ઓપરેશન બ્લૂસ્ટાર' હાથ ધર્યું.

આથી, નારાજ તેમના જ બે શીખ સુરક્ષાકર્મીઓએ ગોળી મારીને તેમની હત્યા નીપજાવી હતી. ઇન્દિરા આજની તારીખે ભારતના પ્રથમ તથા એકમાત્ર મહિલા વડાં પ્રધાન છે.

(4:09 pm IST)