Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના પુરુષોત્તમદાસ સ્વામીનું નિધન

ઉઘડતા પ્રભાતે હરિભક્તો માટે શોકમગ્ન સમાચાર : ૭૮ વર્ષના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજીના ફેફસામાં ઈન્ફેક્શન બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

અમદાવાદ, તા. ૧૬ : શહેરના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન-મણિનગરના આચાર્ય પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીનું આજે દેહાવસાન થયું છે. ૭૮ વર્ષના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી ફેફસામાં ઈન્ફેક્શન બાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ છેલ્લા ઘણાં દિવસથી વેન્ટિલેટર ઉપર હતા. અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, જૂન મહિનાના અંતમાં આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસાની બીમારીને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ વેન્ટિરલેટર સપોર્ટ અને પ્લાઝમા થેરાપીથી સારવાર પણ કરી હતી.

           જો કે બુધવારે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે, સ્વામીજી ઝડપથી સ્વસ્થ થાય તે માટે મણિનગર ગાદી સંસ્થાન હેઠળના અમદાવાદ સહિત વિશ્વભરના તમામ મંદિરોમાં ધૂન કરવામાં આવી હતી. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજના ઉત્તરાધિકારી તરીકે ગત ૧૨-જુલાઈના રોજ સદ્ગુરુ જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી છે. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના પાર્થિવ દેહને ગુરુવારે ઘોડાસર સ્મૃતિમંદિર સંકુલ ખાતે લવાશે. જો કે કોરોના મહામારીના પગલે હરિભક્તોને મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં એકત્ર ના થવાની અપીલ કરવામાં આવી છે. તેમના અંતિમ દર્શન વેબસાઈટ પર ગુરુવારે સવારે .૦૦ વાગ્યાથી ઓનલાઇન થઈ શકશે.

          આ ઉપરાંત આજથી ૧૧ દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે, કોરોના વાયરસને કારણે કોઈએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રીમુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. ઉલ્લેખનીય છે કે, ભુજ તાલુકાના ભારાસર ગામે આચાર્ય પી. પી. સ્વામીનો જન્મ ૨૮ મે ૧૯૪૨ના થયો હતો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે ૨૧ માર્ચ ૧૯૬૨ના ભાગવતી મહાદીક્ષા ધારણ કરી હતી૨૮ ફેબુ્રઆરી ૧૯૭૯ના સ્વામિનારાયણ ગાદીના પાંચમા વારસદાર તરીકે ધર્મધુરા સંભાળી ત્યારે તેમની ઉંમર ૩૭ વર્ષ હતી.

સ્વામી પર એક નજર...

*          ૧૯ વર્ષની વયે ગુરુ મુક્તજીવન સ્વામી પાસેથી દીક્ષા લીધી

*          ૧૯૭૯માં મુક્તજીવન સ્વામીએ પુરૂષોત્તમપ્રિયદાસજીને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા

*          ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૭૯ સ્વામીનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય બન્યા

*          સતત ૪૧ વર્ષ સુધી શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે બિરાજમાન રહ્યાં

*          દેશ-વિદેશમાં ૩૦૦થી વધુ મંદિરોનું નિર્માણ કરાવ્યું

*          અંધશ્રદ્ધા વિરુદ્ધ ઝૂંબેશ ચલાવી સમાજમાં જાગૃતિ ફેલાવી

*          ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ પૂજ્ય આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીના આચાર્યપદે બિરાજમાન થયાનો રજત જયંતિ મહોત્સવ ઉજવાયો

(7:40 pm IST)