Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ગોવામાં ૧૦ ઓગષ્ટ સુધી જનતા કફર્યુઃ ૩ દિવસ માટે લોકડાઉન

પણજી,તા.૧૬ : ગોવામાં કોરોનાના વધતા કેસોને જોતાં રાજયના મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે લોકડાઉન લંબાવવાની ઘોષણા કરી છે. એની સાથે રાજયમાં જનતા કર્ફયુ પણ લગાવવામાં આવશે, જે રાતના આઠ કલાકથી સવારે છ કલાક સુધી રોજ લાગુ પડશે. આ જનતા કર્ફયુ આજથી એટલે કે બુધવારથી લાગુ થશે. જોકે સપ્તાહમાં ત્રણ દિવસ સંપૂર્ણ લોકડાઉન રહેશે. મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું છે કે રાજયમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. એને ધ્યાનમાં રાખતાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ લોકડાઉન ૧૦ ઓગસ્ટ સુધી જારી રહેશે.

આ લોકડાઉન દરમ્યાન માત્ર મેડિકલ સેવાઓને જ ચાલુ રાખવા દેવામાં આવશે. ત્યાં સપ્તાહમાં ત્રણ દિવસ- શુક્રવાર, શનિવાર અને રવિવારે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ગોવામાં કોરોના વાઇરસના સંક્રમણના ૨૭૫૩ કેસ નોંધવામાં આવ્યા છે, જયારે ૧૮ લોકોનાં મોત થઈ ચૂકયાં છે. આટલું જ નહીં, સંકમણને જોતાં ગોવા સરકારે રાજય સરકારની બધી હોસ્પિટલોના ૨૦ ટકા બેડ કોરોના દર્દીઓ માટે અનામત રાખવાના આદેશ આપવામાં આવ્યા છે.

આ વિશે રાજયમાં આરોગ્ય સેવાના ડિરેકટર ડો. જોસ ડીસાએ કહ્યું હતું કે ગોવામાં ICUસુવિધાઓ વાળી બધી ખાનગી હોસ્પિટલો માટે કોરોના દર્દીઓ માટે ૨૦ ટકા બેડ અનામત રાખવા ફરજિયાત છે.  આ આદેશની સાથે તેમણે એ પણ જણાવ્યું હતું કે જો કોઈ આ આદેશોનું પાલન નહીં કરે તો એનું લાઇસન્સ રદ કરવામાં આવશે.

(3:29 pm IST)