Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

થિયેટરમાં ફિલ્મ જોવા હવે નવા નિયમો સાથે પ્રવેશ રખાશે

ઓગસ્ટના પહેલા અઠવાડીયામાં ખુલે તેવી શકયતા

નવી દિલ્હી,તા.૧૬ : કોરોના કાળમાં અન્ય તમામ ઉદ્યોગોની જેમ બોલિવૂડના વ્યવસાયમાં પણ છૂટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે અનલોક ૨માં થિયેટરો અને જિમ કલબ ખોલવાની મંજૂરી આપી ન હતી, પરંતુ હવે અનલોક ૩ની જાહેરાત પહેલાં સિનેમા માલિકો એવી આશા વ્યકત કરી રહ્યા છે કે, આ વખતે સરકાર તેમના પ્રત્યે કરુણા બતાવશે અને ફરી સિનેમાં થિયેટરો ધમધમવા લાગશે.

થિયેટરો હાલ રાહ જોઈ રહ્યા છે ત્યારે આ ક્ષણોમાં નવી તૈયારીઓ કરી રહ્યા છે. દિલ્હી સહિત દેશના તમામ મલ્ટિપ્લેકસ પ્રેક્ષકોને આવકારવા માટે તૈયાર થઈ ગયા છે. અનલોક ૩ માર્ગદર્શિકા હેઠળ કેટલીક શરતો સાથે ઓગસ્ટના પહેલા અઠવાડિયાથી જિમ, મૂવી થિયેટર અને ઓડિટોરિયમ ખોલવા શકય બની શકે છે. જેને લઈ થિયેટરો આ માટે ખાસ તૈયારીઓ કરી રહ્યા છે

સુરક્ષાને પગલે, ફ્રિલ્સ વધશે પરંતુ ટિકિટોના ભાવમાં વધારો થશે નહીં. ટિકિટ અથવા ખાદ્ય ચીજોના ભાવ પહેલા જેવા જ રહેશે. આ ઉપરાંત, પ્રેક્ષકોને થિયેટરમાં લાવવા માટે ઘણી છૂટછાટો પણ આપવામાં આવશે, જેથી લોકો પરિવાર અને મિત્રો સાથે થિયેટરમાં આવે.

મલ્ટિલેકસ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ નિર્ણય લીધો છે કે, દર્શકો કેશલેસ, ટચલેસ, પેપરલેસ, જોખમ વિનાની સિસ્ટમમાં મૂવીનો આનંદ માણી શકે છે. આ માટે તેમનામાં સંપૂર્ણ સલામતી અને આત્મવિશ્વાસની ભાવના અનુભવાય તે જરૂરી છે. એક સાવચેતી વ્યવસ્થા એટલે કે સેનિટાઇઝિંગ, થર્મલ ચેક, ટચલેસ ફ્રિસ્કીંગ મુખ્ય દરવાજામાંથી જ હાથ ધરવામાં આવશે. જેમની પાસે માસ્ક કે ગ્લોઝ નથી, તેઓ પી.પી.ઇ કીટ ખરીદી શકે છે.

આરોગ્ય સેતુ એપ્લિકેશન અને દરેક દર્શકના મોબાઇલ ફોનમાં તેનું અપડેટ, મોં પર માસ્ક, હાથમાં ગ્લોબ્સ અને એન્ટ્રી ફકત મલ્ટીપ્લેકસ અથવા સિનેમા હોલ બિલ્ડિંગમાં મળશે. નવી સિસ્ટમ અંતર્ગત કાગળની ટિકિટ હવે ઈતિહાસ બની જશે. તેનો અર્થ એ કે મૂવી ટિકિટ હવે ઓનલાઇન લો અથવા બોકસ ઓફિસ પર જઈને ટિકિટ એસએમએસ મંગાવો.

(11:17 am IST)