Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ખાંડ વધુ ''કડવી'' બનીઃ બે રૂપિયા વધ્યા

સરકારે ન્યુનતમ સમર્થન મુલ્ય ર રૂપિયા વધારી રૂ. ૩૩ કર્યું

નવી દિલ્હી તા. ૧૬: શેરડીના ખેડૂતોને રાહત આપવા માટે ખાંડનું ન્યુનતમ સમર્થન મુલ્ય રૂ. ર વધારી ૩૩ કરવાની મંજુરી મળી ગઇ છે આ નિર્ણયથી ખાંડની મિલોની આવક વધશે જેથી તેઓ ખેડૂતોને પેન્ડીંગ રકમ ચૂકવી શકશે. મિલોએ રૂ. ર૦,૦૦૦ કરોડ દેવાના થાય છે.

આખરે કેન્દ્ર સરકારે શુગર મિલોને રાહત થાય તેવી જાહેરાત કરી છે. દેશમાં શુગર મિલો ઉપર વધી રહેલા દેવાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં પ્રતિ કિવન્ટલ રૂ. ર૦૦નો વધારો જાહેર કર્યો છે. નવી દિલ્હી ખાતે અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી ગ્રુપ ઓફ મિનીસ્ટરની બેઠકમાં આ વધારાને મંજુરી આપવામાં આવી હતી.

કેન્દ્રીય ગ્રાહક વિભાગનાં મંત્રાલય દ્વારા આ અંગેની દરખાસ્ત કરવામાં આવી હતી અને ખાંડનાં લઘુત્તમ વેચાણ ભાવ મિલો માટે રૂ. ૩૧૦૦ પ્રતિ કિવન્ટલથી વધારીને રૂ. ૩૩૦૦ કરવામાં આવ્યા છે.

ગ્રૂપ ઓફ મિનીસ્ટરની બેઠકમાં અમિત શાહ ઉપરાંત નાણા મંત્રી નિર્મલા સિથારામન, ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને વાણિજય મંત્રી પિયુષ ગોયલ હાજર રહ્યાં હતાં.

દેશની શુગર મિલોએ ખેડૂતો પાસેથી શેરડીની ખરીદી કરી હતી. જે પૈકી હજી પણ મિલોએ રૂ. ર૦,૦૦૦ કરોડથી પણ વધુની રકમ ગ્રાહકોને ચૂકવવાની બાકી છે. જેને પગલે સરકાર દ્વારા આ વધારો કરવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ગત વર્ષે પણ ખાંડના લઘુત્તમ વેચાણ ભાવમાં રૂ.ફ ર૦૦નો વધારો કરીને રૂ. ૩૧૦૦ પ્રતિ કિવન્ટલ કર્યા હતાં.

દેશની શુગર મિલોએ ખેડૂતો પાસેથી ચાલુ સિઝન વર્ષ દરમિયાન શેરડીની કુલ રૂ. ૭ર,૦૦૦ કરોડની ખરીદી કરી હતી, જેમાંથી આશરે રૂ. પર,૦૦૦ કરોડની ચૂકવણી થઇ ચૂકી હતી, જયારે બાકીની ચૂકવણી બાકી છે.

દેશમાં ખાાંડનો સરપ્લસ સ્ટોક વધારે અને બીજી તરફ નિકાસ ધારણાં કરતાં ઓછી છે. કેન્દ્ર સરકારે નવી સિઝન માટે શેરડીનાં પણ લઘુત્તમ ખરીદી ભાવમાં વધારો કર્યો છે, જેને પગલે મિલોની પડતર વધી જવાની હોવાથી મિલો ઉપર વધુ નાણાકીય ભારણ ન આવે તે હેતુથી પણ સરકારે આ વેચાણ ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકારે શુગર મિલોનાં વેચાણ ભાવમાં વધારો કરતાં ખાંડનાં ભાવમાં વધારો થાય તેવી ધારણાં છે. આ જાહેરાત પૂર્વે જ ખાંડનાં ભાવ છેલ્લા થોડા દિવસમાં કિવન્ટલે રૂ. ૧૦૦ જેટલા વધી ગયા છે હજી બીજા આટલા વધે તેવી ધારણાં છે. લોકડાઉનને કારણે ખાંડની માંગ ઉપર મોટી અસર પડી છે અને હજી હોટલ-રેસ્ટોરન્ટ પૂર્ણતહ ખુલ્યા ન હોગવાથી તેની અસર પણ બજાર ઉપર જોવા મળી રહી છે. ખાંડની નવી સિઝનને અઢી મહિના બાકી છે અને ઓકટોબરથી નવી સિઝન ચાલુ થઇ જશે. આ વર્ષે સારા ચોમાસાને કારણે શેરડીના વાવેતર વધારે થયા છે અને ઉતારા પણ સારા આવવાની ધારણાં હોવાથી નવી સિઝનમાં ખાંડનું ઉત્પાદન વધે તેવી સંભાવનાં છે. આવી સ્થિતિમાં ખાંડનો ભાવ વધારો મિલોને આંશિક રાહતરૂપ બનશે.

(11:16 am IST)