Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

મધ્યપ્રદેશના ગુનામાં દલિત કિસાન પરિવાર સાથે પોલીસની બર્બરતા : ખેડૂતને ઢોર માર માર્યો : પત્નીના કપડા ફાડયા : દંપતિએ ઝેર પીધુ : વિડિયો વાયરલ થયા બાદ ગુનાના કલેકટર - એસપી હટાવાયા : શરમજનક ઘટના

મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં પોલીસની બર્બરતાએ એક ખેડૂત દંપતિને ઝેર પીવા માટે મજબૂર કરેલ છે. જમીનનો ગેરકાયદે કબ્જો હટાવવા પહોંચી પોલીસે ખેડૂતને માર મારતા તે બેભાન થઇ ગયો હતો. બચાવવા આવેલ પત્ની અને બાળકોને પણ પોલીસે છોડયા ન્હોતા. મહિલાના કપડા પણ ફાડયા હતા. આ બર્બરતાની વિડીયો વાયરલ થતા સરકારે ધડાધડ પગલા લીધા છે.

મધ્ય પ્રદેશના ગુનામાં ખેડૂત દંપત્ત્િ।એ કિટનાશક દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ અને તેમના સ્વજનો પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડ્યું છે. આ અંગે વિપક્ષના આક્રમક હુમલા બાદ શિવરાજ સરકારે મોટી કાર્યવાહી કરતા બુધવારે મોડી રાતે ગ્વાલિયર રેન્જના આઈજી (IG) રાજાબાબુ સિંહ, ગુના કલેકટર એસ વિશ્વનાથન અને એસપી તરૂણ નાયકને તત્કાળ પ્રભાવથી હટાવ્યાં છે.

આઈજી પોલીસ મુખ્યાલયમાં પદસ્થ અવિનાશ શર્માને ગ્વાલિયર રેન્જના નવા આઈજી અને રાજેશકુમારને ગુનાના નવા એસપી બનાવવામાં આવ્યાં છે. અત્રે જણાવવાનું કે ભાજપના રાજયસભા સાંસદ જયોતિરાદિત્ય સિંધિયાએ આ ઘટનાને ખુબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને દોષિતો પર કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. ત્યાબાદ તરત જ પ્રશાસને કાર્યવાહી કરતા આઈજી, કલેકટર અને એસપીની  ટ્રાન્સફર કરી દીધી. આ અંગે ઉચ્ચ સ્તરની તપાસના પણ નિર્દેશ અપાયા છે.

મધ્ય પ્રદેશ કોંગ્રેસ તરફથી ટ્વિટર પર માસૂમ બાળકો રોતા કકળતા હોય તેવો એક ફોટો શેર કરાયો અને પ્રહાર કરાયા. પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ અને કમલનાથે પણ આ મામલે શિવરાજ પર સવાલ ઊભા કર્યાં. કોંગ્રેસે ટ્વિટર પર શિવરાજ સિંહ ચૌહાણ રાજીનામું આપો હેશટેગ ટોપ ટ્રેન્ડ કરાવ્યો. મધ્ય પ્રદેશ કોંગ્રેસે આ ઘટનાના વાયરલ વીડિયોને ટ્વિટ કરતા લખ્યું કે શિવરાજના અહંકારનું બેશર્મ પ્રદર્શન. સિંધિયાના ક્ષેત્રની વારદાત. ગુનામાં એક ખેડૂત પરિવારની શિવરાજની પોલીસે બર્બરતાથી પિટાઈ કરી અને મહિલાના કપડાં ફાડ્યાં. હતાશ થયેલા ખેડૂતે ઝેર ઘોળ્યું. શિવરાજજી બાળકોની ચીસો સંભળાય છે? આ આંધળી, બહેરી અને મૂંગી સરકારનો અંત નજીક છે.

ગુના કલેકટરે આ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે નવીન આદર્શ મહાવિદ્યાલય માટે ગ્રામ જગનપુર સ્થિત ભૂમિ સર્વે નં ૧૩/૧ તથા ૧૩/૪ રકવા ક્રમશ ૨.૦૯૦ તથા ૨.૦૯૦ રિઝર્વ રખાઈ હતી. તહસીલદારે અતિક્રામક ગબ્બુ પારદી પુત્ર ગાલ્યા પારદી, કથિત બટાઈદાર રાજકુમાર અહિરવાર પુત્ર માંગીલાલનો કબ્જો હટાવવા માટે બેદખલ માટેની કાર્યવાહી દરમિાયન ૧૪ જુલાઈના રોજ પોલીસ ફોર્સની હાજરીમાં સીમાંકન કરાવ્યું તથા બેદખલ કરાયા. જયારે કાર્યવાહી કરાઈ ત્યારે રાજકુમાર અહિરવાર અને તેમની પત્ની સાવિત્રીબાઈએ કિટનાશક દવા પી લીધી.

ગુના કલેકટરના જણાવ્યાં મુજબ અતિક્રામક ખેડૂત દંપત્તિને હોસ્પિટલ લઈ જવાની ના પાડી રહ્યાં હતાં. મુખ્ય ઇતિક્રામક ગબ્બુ પારદી તરફથી રાજકૂમાર અને સાવિત્રીબાઈ ઉપરાંત અન્ય લોકો જેમાં બાળકો પણ સામેલ હતાં, કિટનાશક પીવા માટે ઉકસાવવામાં આવી રહ્યાં હતાં. જેનાથી જાનહાનિ થવાની શકયતા બની રહી હતી. એવામાં કાયદા અને વ્યવસ્થાની ગંભીર સ્થિતિ અને જાનહાનિ રોકવા હેતુથી પોલીસે કડકાઈથી તેમને સ્થળ પરથી હટાવ્યાં. હાલમાં રાજકુમાર અને સાવિત્રીબાઈની સ્થિતિમાં સુધારો છે. આ મામલે પટવારી શિવશંકર ઓઝાએ કેન્ટ પોલીસ સ્ટેશનમાં સંબંધિતો સામે શાસકીય કાર્યવાહીમાં વિધ્ન નાખવા સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. જેમાં રાજકુમાર, શિશુપાલ અહિરવાર, સાવિત્રીબાઈ સહિત પાંચ સાત અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યાં છે.

(11:50 am IST)