Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

હૈદરાબાદમાં ભારે વરસાદ: ઉસ્માનિયા હોસ્પિટલમાં ગટરના પાણી ઘૂસ્યા: આઇસીયુ સહિતના તમામ છ વોર્ડમાં પાણી !

કોરોના રોગચાળો બીજી બાજુ આવા વાતાવરણથી અન્ય રોગો ફેલાય તેવી પણ સંભાવના

હૈદરાબાદ : ભારે વરસાદ બાદ હૈદરાબાદની ઉસ્માનિયા જનરલ હોસ્પિટલ (ઓજીએચ) માં ગટરનું પાણી ભરાઈ ગયું છે. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા આઇસીયુ સહિતના તમામ છ વોર્ડના પાણી ભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. સોમવારે વરસાદ પડ્યા બાદ જ ગટરના પાણી ભરાયા હતા, જે બુધવારે ભારે વરસાદના કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. વરસાદના પાણીથી ગટરનું પાણી દર્દીઓના વોર્ડમાં પહોંચી ગયું છે, જેના કારણે દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. દર્દીઓ પલંગ પર બેઠા છે, એક દર્દીને બીજા દર્દી સાથે બેડ વહેંચવાની ફરજ પડે છે.

   ઉસ્માનિયા હોસ્પિટલના દર્દીઓ કહે છે કે, ડોકટરો સારી સારવાર આપી રહ્યા છે, તેમને ડોકટરો સાથે કોઈ ફરિયાદ નથી. પરંતુ વોર્ડમાં વરસાદી પાણી ભરાવાના કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેઓ બાથરૂમમાં જઇ શકતા નથી. ગટરમાંથી પાણીની દુર્ગંધ આવે છે, જેના કારણે કોઈ ખોરાક ખાઈ શકાતો નથી. એક તરફ કોરોના રોગચાળો બીજી બાજુ આવા વાતાવરણથી અન્ય રોગો ફેલાય તેવી પણ સંભાવના છે.

(10:34 am IST)