Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

પાકિસ્તાન કોઇ હરકત કરશે તો પોતે જ મુશ્કેલીમાં મુકાશે

બીજી વખત કારગિલ થશે તો અમે તૈયાર : ધનોવા : બાલાકોટમાં હવાઈ હુમલાઓ કરીને તાકાત દર્શાવી ચુક્યા છે : કોઇપણ હવામાનમાં બોમ્બમારો કરવા સમક્ષ છીએ

નવી દિલ્હી, તા. ૧૬ : કારગિલ જંગના ૨૦ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ભારતીય હવાઈ દળના વડા બીએસ ધનોવાએ આજે પાકિસ્તાનને ઇશારામાં જોરદાર ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે, જો બીજી વખત કારગિલ થશે તો અમે આના માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. તેમણે કહ્યું હતું કે, તમામ સારા જનરલની જેમ જ અમે છેલ્લી લડાઈ લડવા માટે તૈયાર છીએ. તેમનો ઇશારો સ્પષ્ટ હતો કે, જો પડોશી દેશ પાકિસ્તાને હવે કોઇ હરકત કરવાના પ્રયાસ કરશે તો તેને ભારે નુકસાન થઇ શકે છે. એરફોર્સના વડાએ એવા સમયમાં પાકિસ્તાનને ચેતવણી આપી છે જ્યારે પાંચ મહિના સુધી હવાઈ સીમાને બંધ રાખવામાં આવ્યા બાદ પાકિસ્તાને આજે જ હવાઈ સરહદને ખોલી નાંખવાનો નિર્ણય કર્યો હતો. ધનોવાએ કહ્યું હતું કે, જો જરૂર પડશે તો અમે દરેક હવામાનની સ્થિતિમાં પણ એટલે કે વાદળછાયુ વાતાવરણ રહેશે તો પણ જોરદાર બોંબમારો કરવાની સ્થિતિમાં છીએ. ૨૬મી ફેબ્રુઆરીના દિવસે બાલાકોટમાં અમે આ પ્રકારના હુમલા કરી ચુક્યા છે જે ખુબ દૂરથી જ નક્કર હુમલા કરવાની તાકાતની સાબિતી આપે છે.

અત્રે નોંધનીય છે કે, પુલવામામાં ત્રાસવાદી હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા બાદ ભારતે આતંકવાદીઓની સામે જોરદાર કાર્યવાહી કરી હતી. બાલાકોટમાં ઘુસીને જૈશના આતંકવાદી કેમ્પોને ફૂંકી મારવામાં આવ્યા હતા. ભારતીય હવાઈ દળે પાકિસ્તાનના બાલાકોટમાં હુમલા કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારબાદ પાકિસ્તાને હવાઈ હુમલાથી બચવા માટે હવાઈ ક્ષેત્રને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતના હવાઈ હુમલા બાદ પાકિસ્તાને આગલા દિવસે ભારતમાં ઘુસણખોરી કરીને ભારતીય સૈન્ય સ્થળો ઉપર હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસ કર્યા હતા જેમાં એક પાકિસ્તાની વિમાનને ફૂંકી મારવામાં આવ્યું હતું.

 

(9:40 pm IST)