Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

કર્ણાટક કટોકટી અંગે કાલે સુપ્રીમ કોર્ટ નો ફેંસલો આવી શકે

સવારે ૧૦.૩૦ વાગે સુપ્રીમ કોર્ટ ફેંસલો કરશે : સુપ્રીમ કોર્ટના ચુકાદા પર હવે નજર : કર્ણાટકમાં રાજકીય ઘમસાણની વચ્ચે તમામ પક્ષો તરફથી રજૂ કરાયેલ દલીલ

નવી દિલ્હી, તા. ૧૬ : કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના અસંતુષ્ટ ધારાસભ્યો અને સ્પીકરની અરજીઓ ઉપર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પરિપૂર્ણ કરી લેવામાં આવી છે. આજે કોર્ટમાં સંબંધિત પક્ષોએ પોતપોતાની દલીલો રજૂ કરી હતી. કોર્ટે દલીલો પર સુનાવણી સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટ હવે આવતીકાલે સવારે ૧૦.૩૦ વાગે આ મામલામાં ચુકાદો આપશે. અસંતુષ્ટ ધારાસભ્યોએ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે, તેઓ સ્પીકરને તેમના રાજીનામાને સ્વીકાર કરવા માટેના આદેશ જારી કરી જ્યારે સ્પીકરે આજે કોર્ટમાંથી યથાસ્થિતિ જાળવી રાખવા માટેના આદેશને પરત લેવાની માંગ કરી હતી. અસંતુષ્ટ ધારાસભ્યો તરફથી કોર્ટમાં દલીલ રજૂ કરતા મુકુલ રોહતાગીએ કહ્યું હતું કે, ધારાસભ્યોને રાજીનામુ આપી દેવાના મૂળભૂત અધિકાર રહેલા છે. આને કોઇ કિંમતે રોકી શકાય નહીં. બંધારણની વ્યવસ્થા મુજબ રાજીનામા તરત સ્વીકારી લેવા જોઇએ. જ્યાં સુધી નિર્ણય કરવામાં ન આવે ત્યાં સુધી ગૃહમાં ઉપસ્થિત થવાની મંજુરી મળવી જોઇએ. સ્પીકર તરફથી દલીલ રજૂ કરતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, અયોગ્યતા અને રાજીનામામાં અધિકાર તમામના રહેલા છે. અયોગ્યતા અને રાજીનામાના સંદર્ભમાં નિર્ણયનો અધિકાર સ્પીકરનો રહેલો છે. જ્યાં સુધી સ્પીકર પોતાનો ચુકાદો આપતા નથી ત્યાં સુધી સુપ્રીમ કોર્ટ પણ તેમાં દરમિયાનગીરી કરી શકે તેમ નથી. આવી જ દલીલ મુખ્યમંત્રી કુમારસ્વામી તરફથી પણ રાજીવ ધવન દ્વારા કરવામાં આવી હતી. કર્ણાટકમાં રાજકીય સંગ્રામ અને ગુરુવારના દિવસે થનાર બહુમત પરીક્ષણ પહેલા સુપ્રીમ કોર્ટમાં કાયદાકીય દાંવપેચનો દોર જારી રહ્યો છે. આજે કોર્ટમાં અસંતુષ્ટ ધારાસભ્યોની અરજી ઉપર સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી. અસંતુષ્ટ ધારાસભ્યોએ પોતાની દલીલો રજૂ કરતા કહ્યું હતું કે, સ્પીકરની ભૂમિકા શંકાસ્પદ દેખાઈ રહી છે. અસંતુષ્ટોએ કહ્યું હતું કે, તેઓ રાજીનામા આપી ચુક્યા છે પરંતુ સ્પીકર જાણી જોઇને રાજીનામા સ્વીકારી રહ્યા નથી. બીજી બાજુ સ્પીકર રમેશકુમારે કોર્ટને કહ્યું હતું કે તેઓ આવતીકાલ સુધી અસંતુષ્ટ ધારાસભ્યોની યોગ્યતા અને રાજીનામાના સંદર્ભમાં નિર્ણય લઇ લેશે. અસંતુષ્ટ ધારાસભ્યો તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, અધ્યક્ષે તેમને અયોગ્ય જાહેર કરવાના ઇરાદા સાથે તેમના રાજીનામા પેન્ડિંગ રાખ્યા છે. અયોગ્યતાથી બચવા માટે રાજીનામુ આપી દેવામાં કોઇ ખોટુ કામ કર્યું નથી. અસંતુષ્ટો તરફથી મુકુલ રોહતાગીએ દરમિયાનગીરી કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ અને જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની બેંચે સ્પીકર તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ રજૂઆત કરી હતી. અસંતુષ્ટો તરફથી દલીલોમાં રોહતાગીએ કહ્યું હતું કે, ભાજપે આ પ્રકારનું કાવતરું ઘડી કાઢ્યું નથી.

ચુકાદાની સાથે સાથે....

*   કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનના અસંતુષ્ટ ધારાસભ્યો અને સ્પીકરની અરજી ઉપર સુપ્રીમમાં સુનાવણી પૂર્ણ

*   તમામ સંબંધિતો તરફથી કોર્ટમાં દલીલો રજૂ કરાઈ

*   સુપ્રીમ કોર્ટ આવતીકાલે બુધવારે સવારે ૧૦.૩૦ વાગે અંતિમ ચુકાદો આપશે

*   સ્પીકરને તેમના રાજીનામા સ્વીકાર કરવાનો આદેશ કરવામાં આવે તેવી અસંતુષ્ટો તરફથી માંગ કરવામાં આવી

*   યથાસ્થિતિ જાળવી રાખવા માટે સ્પીકર તરફથી દલીલ કરાઈ

*   તમામ દલીલોને સાંભળ્યા બાદ બુધવારે સવારે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે

*   કર્ણાટકમાં રાજકીય સંગ્રામ વચ્ચે ગુરુવારના દિવસે બહુમત પરીક્ષણ થશે

(7:45 pm IST)