Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

હિમાચલ પ્રદેશના રાજયપાલ કલરાજ મિશ્રઃ કાર્યકરથી રાજભવન પહોંચનાર નેક દિલ વ્યકિતત્વ

 ઉત્તરપ્રદેશના કાશીથી શરૂ થયેલ કલરાજ મિશ્રની રાજકીય યાત્રા હિમાચલ પ્રદેશના રાજભવનમાં પહોંચી હતી. કલરાજ મિશ્રનો જન્મ ૧૯૪૧માં મલીકપુર ગામમાં થયેલ. તેમના પિતા રામાજ્ઞા મિશ્ર સંત પ્રકારના વ્યકિત હતા. તેઓ ગામ લોકોની સમસ્યા નિવારવા સતત પ્રયાસ કરતા. પિતાના પગલે કલરાજ મિશ્ર પણ લોકોની સેવા કરવા લાગેલ.

કલરાજ મિશ્રએ પ્રાથમીક શિક્ષણ બાજુના ડહન ગામમાંથી લીધુ હતુ જયારે જૂનિયરનું શિક્ષણ માહપુર ગામથી લીધેલ. માત્ર ૧૪વર્ષની ઉંમરે તેમણે વારણસીની હરિશ્ચંદ્ર કોલેજમાં દાખલ થયા. ૧૫ વર્ષની ઉંમરે ૧૦માં ધોરણમાં અભ્યાસ દરમિયાન સંઘ સાથે જોડાય ગયેલ. કાશીમાં જ તેમણે  અનુસ્નાતક સુધીનો અભ્યાસ કરેલ.

સંઘમાં તેમની સક્રિયતાથી ૧૯૬૩માં તેમને ગોરખપુરના પ્રચારક  તરીકેની જવાબદારી સોંપાયેલ. ત્યારબાદ સતત તેમની રાજકીય કારર્કીર્દી આગળ વધતી રહતી. ૧૯૭૮માં જનતા સરકારમાં કલરાજ મિશ્રએ પહેલીવાર રાજયસભામાં પ્રવેશ કર્યો. આ સમયે તેઓ સૌથી નાની ઉંમરના રાજયસભા સાંસદ હતા. ૧૯૮૦માં ભાજપની સ્થાપના થતા તેઓ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલ. ૧૯૮૬ થી ૨૦૦૨ સુધી ત્રણવાર તેઓ ધારાસભાના સભ્ય રહેલ. ૧૯૯૭ થી ૨૦૦૨ દરમિયાન તેઓ ભાજપ સરકારમાં અનેક મહત્વના ખાતાના મંત્રી રહેલ. ૨૦૧૨માં તેમણે લખનઉના પૂર્વ વિસ્તારમાંથી ધારાસભા જીત્યા હતા.

૨૦૧૪ની લોકસભામાં ભાજપે તેમને દેવરીયાથી ટીકીટ આપી હતી અને કલરાજ મિશ્ર પ્રચંડ બહુમતિથી વિજય બનેલ. કેન્દ્રીય મંત્રી બન્યા બાદ પાર્ટીના નીયમોનો સ્વીકાર કરી ઉંમર વધુ હોવાના કારણે રાજીનામુ પણ આપી દીધુ હતુ. તેમણે હરિયાણાના પ્રભારી તરીકે અને પ્રદેશ  પ્રમુખ તરીકે પણ સેવા આપી છે.

આટલું મોટું વ્યકિતત્વ હોવા છતા તેમણે કદી પરિવારવાદને પ્રોત્સાહન નથી આપ્યું. હાલ પણ તેમના પરિવારજનો પિતૃક ગામમાં રહી સામાન્ય લોકોની જેમ જ જીવે છે. કલરાજ મિશ્રને સંતાનોમાં બે પુત્રો રાજન અને અમિત છે. જયારે એક પુત્રી હેમલતા છે.

(3:35 pm IST)