Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ભાજપાના વરિષ્ઠ નેતા યેદિયુરપ્પાનો મક્કમ દાવો

કર્ણાટકમાં ૪ - ૫ દિવસમાં બનશે ભાજપ સરકારઃ સારૂ ભાષણ આપીને કુમારસ્વામી વિદાય લેશે

બેંગાલુરઃ. ભાજપાના કર્ણાટક એકમના હેડ અને રાજયના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન યેદિયુરપ્પાએ કહ્યું છે કે કુમારસ્વામી હવે મુખ્ય પ્રધાન તરીકે નહીં રહી શકે અને તે પણ તે વાત જાણે છે. તેમણે કહ્યું કે મારૂ માનવુ છે કે તે વિધાનસભામાં જોરદાર ભાષણ આપ્યા પછી રાજીનામુ આપી દેશે.

કર્ણાટકમાં સંખ્યા બળ માટે મથામણ કરી રહેલા કોંગ્રેસ જેડીએસ ગઠબંધન પર વાર કરતા યેદિયુરપ્પાએ ગઈકાલે કહ્યું કે અમે આગામી ૪ - ૫ દિવસમાં સરકાર બનાવી લેશું.

કર્ણાટક વિધાનસભાના સ્પીકર કે.આર. રમેશે ૧૮ જુલાઈએ વિશ્વાસ માટેની તારીખ જાહેર કર્યા પછી યેદિયુરપ્પાએ આ દાવો કર્યો હતો. કુમારસ્વામી સરકાર ૧૬ ધારાસભ્યોના રાજીનામા આવ્યા પછી ડગુ મગુ થઈ ગઈ હોવાથી મુખ્ય પ્રધાને પોતે વિશ્વાસ મતનો પ્રસ્તાવ મુકયો હતો.

ઉલ્લેખનિય છે કે રાજ્યમાં એક બાજુ કોંગ્રેસ - જેડીએસના બળવાખોર ધારાસભ્યો અંગે સ્થિતિ સ્પષ્ટ નથી થઈ શકી અને બીજી તરફ ભાજપા મુખ્ય પ્રધાન કુમારસ્વામીને સદનમાં વિશ્વાસનો મત લેવા કહી રહી છે. જ્યારે કોંગ્રેસ નેતા અને રાજ્યમાં ગઠબંધનના સમન્વયક સિદ્ધારમૈયાએ વિધાનસભા અધ્યક્ષ રમેશ સાથે મુલાકાત કરીને કહ્યુ કે સરકાર ૧૮ જુલાઈએ ૧૧ વાગ્યે વિશ્વાસનો મત હાંસલ કરશે.

સ્પીકર સાથે યેદિયુરપ્પાએ મુલાકાત કર્યા પછી કહ્યુ હતુ કે આજે સ્પીકર સાથે લંબાણપૂર્વક અમે ચર્ચા કરી છે. મુખ્ય પ્રધાને ગુરૂવારે વિશ્વાસનો મત મેળવવાનું કહ્યુ છે અને અમે તેમા સંમત છીએ. અમે ગુરૂવાર સુધી રાહ જોઈશું. ૧૫ ધારાસભ્યો મુંબઈમાં છે, ૨ અપક્ષો પણ અમને ટેકો આપશે. સાથે જ ૨ - ૩ અન્ય ધારાસભ્યો રાજીનામા આપવા ઈચ્છે છે અને ભાજપામાં જોડાવા માંગે છે. અમારી પાસે પુરતી સંખ્યા છે.

(3:26 pm IST)