Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમેરિકા ઉંબાડીયુ કરશે તો સજા ઈઝરાયલને : બોંબ વર્ષાની ધમકી!

બૈરૂત : લેબનોન સ્થિત ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાહે ચેતવણી આપી છે કે અમેરિકા ઈરાન વિરુદ્ઘ યુદ્ઘ કરશે તો ઇઝરાયેલ તેનાથી બાકાત નહીં રહી શકે. સંગઠનના સૂત્રધાર હસન નસરૂલ્લાહે એક ટીવી મુલાકાતમાં જણાવ્યું હતું કે ઈરાન સાથે અમેરિકા યુદ્ઘમાં ઊતરશે તો ઈરાન પૂરી તાકાત સાથે નિષ્ઠુરતાથી ઇઝરાયેલ પર બોંબ વર્ષા કરશે. અમેરિકા - ઈરાન વચ્ચે વકરી રહેલા વિવાદ વચ્ચે નસરૂલ્લાહનું આ નિવેદન આવ્યું છે. ઈરાન પોતાના પરમાણુ કાર્યક્રમને નિશ્યિત મર્યાદા કરતાં આગળ વધારી ચૂકયું હોવાના અહેવાલ આવી ચૂકયા છે. અમેરિકા ઈરાનની આ ગુસ્તાખી સામે નારાજગી જાહેર કરી ચૂકયું છે. તે પહેલાં ઈરાને અમેરિકી ડ્રોનને પણ તોડી પાડયું હતું. તે પછી અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ઈરાન પર આક્રમણ કરવા આદેશ આપી ચૂકયા હતા , પરંતુ છેલ્લી ઘડીએ તે આદેશ પાછો ખેંચ્યો હતો.

હિઝબુલ્લાહને ઈરાન તરફથી સૈન્ય તાલીમ, હથિયાર અને આર્થિક મદદ મળતી રહે છે. તે ઉપરાંત સીરિયાની અસદ સરકાર પણ તેનું સમર્થન કરે છે. બીજી તરફ ઇઝરાયેલ હંમેશાં સીરિયા અને ઈરાનનું વિરોધી રહ્યું છે. નેતન્યાહૂ સરકાર આક્ષેપ કરી રહી છે કે ઈરાન તેના વિરુદ્ઘ સીરિયાની જમીનનો ઉપયોગ કરી રહ્યું છે અને અસદ સરકાર ઈરાનને મદદ કરે છે. વર્ષ ૨૦૦૬માં હિઝબુલ્લાહના ત્રાસવાદીઓએ ઇઝરાયેલ પર રોકેટ ઝીંકયા હતા અને કેટલાક ઇઝરાયેલી સૈનિકોને બંધક બનાવી લીધા હતા. ઇઝરાયેલે જવાબમાં લેબનોન પર એર સ્ટ્રાઇક કરી હતી. હુમલામાં અંદાજે ૧૨૦ લોકો માર્યા ગયા હતા. અથડામણમાં ઇઝરાયેલના ૧૬૦ સૈનિક પણ માર્યા ગયા હતા.

નસરૂલ્લાહે જણાવ્યું હતું કે, અમેરિકાને જયારે લાગશે કે યુદ્ઘને કારણે ઇઝરાયેલ ખતમ થઈ જશો તો જ તે યુદ્ઘ જેવું પગલું લેતા અટકશે. આ વિસ્તારમાં અમેરિકાને ઈરાન પર હુમલો કરતાં રોકવાની જવાબદારી હિઝબુલ્લાહ સંગઠનની છે.  હસને ચેતવણી આપી હતી કે સાઉદી આરબ અને સંયુકત આરબ અમીરાત કદી નહીં ઇચ્છે કે વિસ્તારમાં સંઘર્ષની સ્થિતિ સર્જાય.

(3:25 pm IST)