Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

બિહાર - ઉ.પૂ.ભારત – આસામ – મેઘાલય - મિઝોરમને પૂરથી રાહત નહીઃ મહારાષ્ટ્રના બે જીલ્લાઓમાં એલર્ટઃ મોટા ભાગની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહે છે

નરેન્દ્રભાઈએ આસામાના મુખ્યમંત્રી સાથે વાત કરીઃ નિતીશે બીજીવાર હવાઈ નિરિક્ષણ કર્યુઃ અનેક મકાનોને ભારે નુકશાનઃ લોકોને સુરક્ષીત સ્થળે ખસેડાયા

નવીદિલ્હીઃ  બિહાર અને  ઉત્તર પૂર્વી ભારતમાં પૂરની સ્થિતિના કારણે મુશ્કેલીઓ વધી રહી છે. કુલ મૃત્યુઆંક ૪૪ થયો છે. જયારે ૭૦લાખથી વધુ લોકોને પૂરના કારણે અસર પહોંચી છે. દિલ્હીમાં પણ ભારે ઈંતેજારી બાદ ૨૮.૮મીમી વરસાદ પડયો છે. બે- ત્રણ દિવસમાં વધુ વરસાદ આવે તેવી સંભાવના છે.

આસામના કુલ ૩૩ જીલ્લાઓમાંથી ૩૦ જીલ્લાઓમાં  જળ પ્રલય છે. ૪૩ લાખ લોકો અસરગ્રસ્ત બન્યા છે. ૧૫ના મોત થયા છે. ગેંડાના નિવાસ સ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક, પોબીત્રો વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી અને માનસ નેશનલ પાર્કમાં પણ પૂરથી વન્ય જીવો મુશ્કેલીમાં મૂકાયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈએ આસામાના મુખ્યમંત્રી સર્બાનંદ સોનાવાલ સાથે ટેલીફોનીક વાતચિત કરી અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. રાજયના ૪૨.૮૭ લાખ લોકો જે ૪૧૫૭ ગામડાઓમાં રહે છેએ સૌથી વધુ પ્રભાવીત થયેલ છે. જયારે ૧,૫૩,૨૧૧ હેકટરના પાક પૂરના લીધે ધોવાય ગયો છે.

બ્રહ્મપુત્રા નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જયારે બોકાખટ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. બિહારમાં પૂરથી મૃતાંક ૨૪ થયો છે. બિહારના ૧૨ જીલ્લાઓના ૨૫.૬૬ લોકો નેપાળમાં ભારે વરસાદથી આવેલ પૂરના કારણે અસરગ્રસ્ત બન્યા છે. ચંપારણ જીલ્લામાં પાંચ બાળકો પણ બે અલગ- અલગ બનાવમાં તણાય ગયેલ. જો કે તંત્ર દ્વારા તેનો પૂર મૃત્યુઆંકમાં સમાવેશ કરાયો નથી. મુખ્યમંત્રી નિતિશકુમારે બીજીવાર પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરિક્ષણ કર્યુ હતુ. સીતામરહીમાં ૧૦, અરારીયામાં ૯,  કિશનગંજમાં ૪ અને સીઓહારમાં ૧નું પૂરના કારણે મૃત્યુ થયાનું તંત્ર દ્વારા નોંધાયું છે.

રવિવાર સુધીમાં ૪ લોકોના બિહારમાં પૂરના કારણે મોત થયેલ જે સોમવારે વધીને ૨૪ થયો હતો. રાજયની પાંચ નદીઓ બાધમતિ, કમલા બાલાન, લાલ બાકેયા, અધવારા અને મહાઆનંદા ખતરાના લેવલની ઉપર વહી રહી છે.

મિઝોરમના લુંગલી જીલ્લાના ૧૧૦૦ જેટલા પરિવારોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવેલ. ખાવઠાગતુપુઈ નદીના પાણી ૩૨ગામોમાં ફરી વળ્યા હતા. વરસાદ સંલગ્ન મૃત્યઆંક ૫ થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતુ. ૭૦૦ મકાનો ક્ષતિગ્રસ્ત થયા હતા. જયારે ૮૦૦ પરિવારોને સુરક્ષીત સ્થળે ખસેડાયા છે. જયારે ૨૦૦ પરિવારોને શેરછીપ જીલ્લામાંથી અન્યત્ર ખસેડાયેલ.

ભેખળો ઘસી પડવાથી રસ્તાઓ બંધ થયા હતા. લાઈટો અને ટેલીકોમ્યુનિકેશન પણ વિક્ષેપ પામ્યુ હતુ. ઉપરાંત છેલ્લા અઠવાડીયાથી થઈ રહેલ વરસાદના કારણે મેઘાલયની બે નદીઓનું જળસ્તર સતત વધવાને કારણે વેસ્ટ ગારો હીલ્સ જીલ્લાના લગભગ ૧.૧૪ લાખ લોકો પ્રભાવિત બન્યા છે. આસામથી વહેતી બ્રહ્મપુત્રા અને જીનજીરામ નદીની સપાટી વધતા દેમદેમા બ્લોકના ૫૦ ગામોના ૫૭,૭૦૦ લોકો અને સેલસેલા બ્લોકના ૧૦૪ ગામોના ૬૬,૪૦૦ લોકો પૂરથી પ્રભાવીત થયા છે. નિચાણવાળા વિસ્તારોમાં આ બંન્ને નદીઓના ફરી વળ્યા છે.

રાજધાની શીલોંગમાં પણ નિચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે, જયારે ત્રિપુરામાં પૂરના પાણી ઓસરવા લાગતા પરિસ્થિતિ સુધરી રહી હોવાનું અધિકારીઓએ જણાવેલ. એનડીઆરએફ અને સીકયુરીટી ફોર્સ દ્વારા પૂરગ્રસ્ત ખોવાઈ અને પશ્ચિમ ત્રિપુરા જીલ્લામાંથી અનેક લોકોને સુરક્ષીત જગ્યાએ રેસ્કયુ કરાયા છે. જેમાં પશ્ચિમ ત્રિપુરા માંથી ૧૩ હજાર અને ખોવાઈ જીલ્લામાંથી ૨ હજાર લોકોને આશ્રય સ્થાનોએ સરકાર દ્વારા મોકલવામાં આવેલ.

મહારાષ્ટ્રના ૭૫ ગામો કે જે પાલધર અને થાણે જીલ્લાના નદી વિસ્તારમાં આવેલ છે. તેમને એલર્ટ કરાયા છે. કેમ કે  અહિંના  મુખ્ય બે ડેમ ઓવરફલો થવાની સંભાવના હોવાનું અધિકારીઓએ જણાવેલ.

(1:27 pm IST)