Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

દારૂને કારણે થતા મોતથી જીડીપીને દર વર્ષે ૧.૪૫ ટકાનું નુકશાન

એક અભ્યાસમાં બહાર આવી ચોંકાવનારી વિગતોઃ દારૂ બિમારીઓ લાવે છે અને જીવનના દિવસો ઓછા કરે છે

નવી દિલ્હી, તા. ૧૬ :. ભારતમાં દારૂને કારણે થનારા મોતને કારણે વર્ષ ૨૦૧૧થી ૨૦૫૦ સુધીના જીવનના ૨૫.૮ કરોડ વર્ષનંુ નુકશાન થયુ છે. સાથોસાથ આનાથી દર વર્ષે જીડીપીને પણ ૧.૪૫ ટકાનું નુકશાન થયુ છે. આ વાત ૩ ડોકટરો અને ૨ પબ્લિક રીસર્ચર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સામે આવી છે. જેને આંતરરાષ્ટ્રીય જનરલ ઓફ ડ્રગ પોલીસીમાં પ્રકાશિત કરવામાં આવી છે. આ અભ્યાસમાં દારૂથી થનારીઓ બિમારીઓ/ ઘટનાઓ અને તેનાથી થતા નુકશાનનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આ બિમારીઓમાં લીવરની બિમારી, કેન્સર અને માર્ગ અકસ્માતના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આનાથી ૨૦૫૦ સુધી પ્રત્યેક વ્યકિત જીવનના ૭૫ દિવસ ઓછા થયા છે. આ અભ્યાસનું મથાળુ છે હેલ્થ ઈમ્પેકટ એન્ડ ઈકોનોમિક બર્ડન ઓફ આલ્કોહોલ કન્ઝમ્પસન ઈન ઈન્ડીયા. આ પહેલા રાષ્ટ્રીય સર્વેમાં જણાવ્યુ હતુ કે ૫.૭ કરોડ ભારતીયોને દારૂને કારણે થતા નુકશાનોથી તત્કાલ મદદની જરૂર છે.

આ અભ્યાસમાં જણાવાયુ છે કે દારૂના સેવનથી જીવનમાં ૨૫.૮ કરોડ વર્ષનું નુકશાન થયુ છે તો ભારતમાં દારૂના સેવનને સમાપ્ત કરી ૫૫.૨ કરોડ વર્ષની જીવન ગુણવત્તા પ્રાપ્ત થઈ છે. ભારતમાં દારૂના ઉપયોગના દીર્ઘકાલીન અસર પર અભ્યાસમાં દારૂબંધીની તરફેણ કરવામાં આવી નથી પરંતુ તેમા જાગૃતતા, વેચાણ અને અટકાવવાની રણનીતિઓ પર વધુ ધ્યાન આપવામાં આવ્યુ છે.(૨-૫)

(11:45 am IST)