Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

ફેસબુકની મિત્રતાનો કરૂણ અંજામ

૪૨ વર્ષની પરણિતા ચા-વાળાના પ્રેમમાં પડીઃ પ્રેમીએ હત્યા કરી બધુ લુંટી લીધું

પ્રેમનું નાટક ખેલી પ્રેમીએ ધારદાર હથિયારથી મહિલાને વેતરી નાખી

પુણે, તા.૧૬: મહારાષ્ટ્રમાં પુણેની એક ૪૨ વર્ષીય પરણિતાને કયાં ખબર હશે કે ફેસબુક પર એક યુવક સાથેની મિત્રતા એટલી મોંઘી સાબિત થશે કે તેણે જીવ ગુમવો પડશે. પુણેના મુંડવા વિસ્તારમાં રહેતી ૪૨ વર્ષીય મહિલા ૨૨ જૂનના રોજ ગુમ થઈ હતી. તેના ૧૮ વર્ષીય દીકરાએ ૨૫ જૂનના રોજ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને તપાસ દરમિયાન ચોંકાવનારી માહિતી મળી. મહિલાના કોલ્સ અને સોશિયલ મીડિયા પરથી જાણવા મળ્યું કે તે ૩૧ વર્ષીય આનંદ નિકમના સંપર્કમાં હતી. જે પુણેના ભોસલે નગરમાં ચાનો સ્ટોલ ચલાવતો હતો. જયારે પોલીસ તેની પુછપરછ માટે પહોંચી તો તે ફરાર થઈ ગયો હતો. પોલીસે ૩ દિવસ બાદ તેની ધરપકડ કર્યા બાદ આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ૬ મહિના પહેલા આરોપી આનંદ નિકમની ફેસબુક દ્વારા મહિલા સાથે મિત્રતા થઈ હતી. ત્યાર પછી બંને એકબીજાને મળતા હતા. આરોપીએ જણાવ્યું કે મહિલા એક સારા અને શ્રીમંત પરિવારમાંથી આવતી હતી. તેણે મહિલા સાથે પ્રેમનું નાટક કર્યું જેથી મહિલા પણ તેનું કહ્યું માનતી હતી.

૨૨ જૂનના રોજ આરોપીએ મહિલાને ઘરેણાં પહેરીને ફોટોશૂટ માટે બોલાવી. આરોપી આનંદ નિકમ મહિલાને પુણેથી ૮૦ કિમી દૂર જંગલમાં લઈ ગયો. જયાં તેણે મહિલાની આંખો પર કપડું બાંધી ધારદાર હથિયાર વડે તેની પર હુમલો કરી હત્યા કરી નાંખી. ત્યાર બાદ આરોપી મહિલાએ પહેરેલા ઘરેણાં, કપડા અને એકિટવા લઈને ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે આરોપીના ઘરે ૮ તોલા સોનું, મહિલાના કપડા, મોબાઈલ અને એકિટવા કબ્જે કર્યું છે.

(11:44 am IST)