Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

મોટરવાહન સુધારા ખરડો

અકસ્માતના મૃતકનાં પરિવારને રૂ. પાંચ લાખના વળતરનો પ્રસ્તાવ

દારૂ પીને વાહન હંકારનારને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવો જે રકમ હાલ ૨૦૦૦ રૂ. છેઃ સીટ બેલ્ટ ન બાંધનારને ૧૦ હજાર રૂપિયાનો દંડ

નવી દિલ્હી, તા.૧૬: – કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરીએ મોટર વેહિકલ્સ (સુધારા) ખરડો આજે લોકસભામાં રજૂ કરી દીધો છે. આ ખરડામાં નેશનલ ટ્રાન્સપોર્ટેશન પોલિસી દ્યડવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. તેમજ સગીર વયની વ્યકિતઓ જો વાહન હંકારીને અકસ્માત કરે તો એના વાલીઓને જવાબદાર ઠેરવવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

આ ખરડો અગાઉ લોકસભામાં મંજૂર કરી દેવાયો હતો, પણ રાજયસભાએ મંજૂરી આપી નહોતી. તેથી રાજસ્થાનના તે વખતના પરિવહન પ્રધાનના અધ્યક્ષપદ હેઠળ યોજાયેલી સમિતિએ એમાં અમુક સુધારા દર્શાવ્યા હતા. એ સમિતિમાં ૧૮ રાજયોના પરિવહન પ્રધાનોનો સમાવેશ કરાયો હતો.

મોટર વેહિકલ્સ સુધારા ખરડાની અમુક જોગવાઈઓ આ મુજબ છેઃ

દારૂ પીને વાહન હંકારનારને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરવો જે રકમ હાલ ૨૦૦૦ રૂ. છે. જયારે બેફામ રીતે વાહન હંકારનારને રૂ. ૫૦૦૦નો દંડ કરવો. સીટ બેલ્ટ ન બાંધનારને ૧૦ હજાર રૂપિયાનો દંડ, પોલિસી વગર વાહન ચલાવનારને ૨ હજાર રૂપિયાનો દંડ

હેલ્મેટ વગર વાહન હંકારનારને ૧૦૦૦ રૂપિયાનો દંડ અને ત્રણ મહિના માટે એનું લાઈસન્સ રદ કરવું

માલસામાન તથા પ્રવાસીઓના ટ્રાન્સપોર્ટેશન માટે માર્ગદર્શિકા નક્કી કરતી રાષ્ટ્રીય પરિવહન નીતિ ઘડવાનો પ્રસ્તાવ છે

અકસ્માતનો ભોગ બનનાર વ્યકિતનાં નિકટનાં પરિજનને વળતર રૂપે પાંચ લાખ રૂપિયા ચૂકવવાની તેમજ ગંભીર રીતે ઈજા પામનારને અઢી લાખ રૂપિયા ચૂકવવાની જોગવાઈ છે.

ગડકરીએ કહ્યું કે નવો ખરડો કાયદો બને ત્યારે એનો અમલ કરવાની રાજયો પર જબરદસ્તી નહીં રહે. તેઓ એમની મરજી મુજબ એને લાગુ કરી શકશે. કેન્દ્ર સરકાર આ બાબતમાં રાજયોનો અધિકાર નહીં છીનવે.

ગડકરીએ સભ્યોને વિનંતી કરી હતી કે તેઓ આ ખરડાને પાસ કરી દે, કારણ કે દેશમાં દર વર્ષે રોડ અકસ્માતોને કારણે લાખો લોકોનાં જાન જાય છે. દર વર્ષે રોડ અકસ્માતોમાં પાંચ લાખથી વધારે લોકો ઘાયલ થાય છે.

(10:02 am IST)