Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ઉંચાપત કેસ : ફારૂક અબ્દુલ્લા સામે આખરે ચાર્જશીટ દાખલ

સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી : બોગસ બેંક ખાતાઓ ખોલી સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના ફંડની ઉંચાપત કરવાનો ફારૂક અને અન્યો ઉપર આક્ષેપ

નવી દિલ્હી, તા.૧૬ : બોગસ બેન્ક ખાતાઓ ખોલીને જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ફંડની ઉંચાપત કરવા બદલ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લા અને અન્ય ત્રણ સામે આજે સીબીઆઈ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ તરીકે હતા તે વખતે આ ગેરરીતિઓ અને નાણાની ઉંચાપતની બાબત સપાટી પર આવી હતી. ૨૦૦૧ અને ૨૦૧૧ વચ્ચે રાજ્ય ક્રિકેટ બોડીમાં ગેરરીતિઓ સપાટી પર આવી હતી. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે એસોશિએશનના ફંડમાંથી જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા ૧૧૩ કરોડ રૂપિયાની ઉંચાપત કરવામાં આવી હતી. ચાર્જશીટમાં જે લોકોના નામનો ઉલ્લેખ કરાયો છે તેમાં ફારૂક અબ્દુલ્લા ઉપરાંત જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના જનરલ સેક્રેટરી સલીમ ખાન, ખજાનચી મોહંમદ અહેશાન મિરઝા અને જમ્મુ-કાશ્મીર બેંકના કારોબારી બશીર અહેમદનો સમાવેશ થાય છે. આ મામલામાં સૌથી પહેલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસે રામ મુનશીબાગ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૫માં સીબીઆઈએ એફઆઈઆર દાખલ કર્યા બાદ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે તેમને ખુશી છે કે તપાસ આખરે શરૂ થઈ ચુકી છે. તપાસ ઝડપથી પૂર્ણ થશે તેવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ફારૂક અબ્દુલ્લાની મુશ્કેલીઓમાં હવે દિન પ્રતિ દિન વધારો થઈ રહ્યો છે. આ કેસમાં તેમને કાયદાકીચ ગૂંચનો સામનો કરવો પડી શકે છે. ૧૧૪ કરોડ રૂપિયાની ઉંચાપતનો આ મામલો જમ્મુ-કાશ્મીરમાં રાજનીતિ ક્ષેત્ર પણ ઉતાર ચઢાવની સ્થિતિ સર્જી શકે છે. સીબીઆઈ દ્વારા એવા સમયમાં ચાર્જશીટ દાખલ કરી છે જ્યારે લોકસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી. ક્ષેત્રીય પક્ષો દ્વારા વારંવાર તપાસ સંસ્થાઓના દુરૂપયોગનો આક્ષેપ કરાયો છે.

(7:07 pm IST)