Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

૧૦ કરોડ લોકોને સોશિયલ સિક્યુરિટી આપવાની તૈયારી

દેશના મોટાભાગના લોકોને આવરી લેવા તૈયારી : કૃષિ ક્ષેત્ર સહિત જુદા જુદા ક્ષેત્રોમાં કામ કરી રહેલા લોકો માટે યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમ જાહેર કરાશે

નવી દિલ્હી, તા.૧૬ : સરકાર વર્ષ ૨૦૧૯માં ૧૦ કરોડ વર્કર માટે પોતાના ખર્ચ પર સામાજિક સુરક્ષા યોજનાની જાહેરાત કરી શકે છે. ૨૦૧૨માં દેશમાં ૪૭.૫ કરોડ લોકો નોકરી કરી રહ્યા હતા. આ આધાર ઉપર ૨૨ ટકા વર્ક ફોર્સ માટે આગામી વર્ષે સોશિયલ સિક્યુરિટી સ્કીમની જાહેરાત કરવામાં આવી શકે છે. શ્રમ મંત્રાલય દ્વારા કૃષિ ક્ષેત્ર સહિત તમામ ક્ષેત્રમાં કામ કરી રહેલા લોકો માટે યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમ હેઠળ આની જાહેરાત કરી શકે છે. સત્તાવાર સૂત્રોએ કહ્યું છે કે લાભાર્થીઓની સંખ્યા નક્કી કરવાની બાબત ખૂબ મહત્વપૂર્ણ રહેશે. એક અધિકારીએ કહ્યું છે કે આનાથી સ્કીમ માટે કેટલા ફંડની જરૂર રહેશે તે સંદર્ભમાં માહિતી મળી શકશે. જેએનયુ પ્રોફેસર સંતોષ મેહરોત્રા સમિતિએ યુનિવર્સલ સોશિયલ સિક્યુરિટી સ્કીમના સંભવિત લાભાર્થીઓની સંખ્યા નક્કી કરવા માટે ૨૦૧૧ અને ૧૨ની તેંડુલકર સમિતિની ગરીબી રેખાને આધાર તરીકે રજુ કરીને તૈયારીઓ હાથ ધરી છે. પ્રથમ તબક્કામાં તમામ વર્કર્સને સ્કીમ હેઠળ નિવૃત્તિ બાદ પેન્શન, ેમેડિકલ ઈન્સ્યોરન્સ, ડેથ અને ડિસેબિલિટી લાભ આપવામાં આવશે. તેંડુલકર સમિતીની ૨૦૧૧-૧૨ના અહેવાલ મુજબ ગરીબી રેખા મુજબ ગ્રામીણ ક્ષેત્રોમાં ૨૫.૭ ટકા અને શહેરી ક્ષેત્રોમાં ૧૩.૭ ટકા લોકો આનાથી નીચે છે. સમગ્ર દેશ માટે આ આંકડો ૨૧.૯ ટકાનો હતો. મેહરોત્રા સમિતિ હવે આ સ્કીમ માટે કેટલા ફંડની જરૂર પડશે તેના ઉપર કામ કરશે. શ્રમ મંત્રાલય દ્વારા દેશના ૫૦ કરોડ વર્કરો માટે રિટાયર્ડમેન્ટ, હેલ્થ, ઓલ્ડ એજ, ડિસેબિલિટી, બેરોજગારી, મેટરનિટી લાભ સહિત વ્યાપક સામાજિક સુરક્ષા યોજના માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ૫૦ કરોડ લાભાર્થીઓને ચાર હિસ્સામાં વિભાજિત કરવામાં આવશે. પહેલા હિસ્સામાં એવા ગરીબો અને વંચિતોને રાખવામાં આવશે જે પોતાની સુરક્ષા માટે પોતે યોગદાન આપી શકવાની સ્થિતિમાં નથી. આ તમામ માટે ખર્ચ સરકાર ઉપાડશે. બીજી બાજુ અસંગઠિત ક્ષેત્રના જે વર્કર આના માટે યોગદાન આપી શકે છે તેમને સબસીડી સ્કીમ હેઠળ કવર કરવામાં આવશે. ત્રીજા હિસ્સામાં એવા લાભાર્થીઓને રાખવામાં આવશે જે પોતે અથવા તો કંપનીની સાથે મળીને પુરતા પ્રમાણમાં યોગદાન આપી શકે છે. ચોથા અને અંતિમ તબક્કામાં તુલનાત્મક રીતે સમૃદ્ધ લોકોને સામેલ કરવામાં આવશે જે કન્ટેજેન્સી અથવા તો રીસ્ક માટે પોતે યોગદાન આપી શકે છે. આ સ્કીમને ત્રણ તબક્કામાં ૧૦ વર્ષની અવધિ દરમ્યાન લાગુ કરવામાં આવશે. સરકારનું કહેવું છે કે ૧૦ વર્ષના ગાળામાં સ્કીમ હેઠળ તમામ વર્કરોને લાવી શકાશે. આના પ્રથમ તબક્કામાં તમામ વર્કરોને માત્ર હેલ્થ સિક્યુરિટી અને રિટાયર્ડમેન્ટ બેનિફિટ આપવામાં આવશે. બીજા તબક્કામાં બેરોજગારી લાભને જોડવામાં આવશે. ત્રીજા તબક્કામાં બીજી કલ્યાણકારી યોજનાઓને આ સ્કીમ હેઠળ લાવવામાં આવશે.

(7:06 pm IST)