Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

આર્કટીકના એક ગામના કિનારે ૧.૧ કરોડ ટનનો ૩૦૦ ફુટનો બરફનો પહાડ આવી પહોંચ્યો

આર્કટીકના એક ગામના કિનારે ૩૦૦ ફુટ ઉંચા અને ૬પ૦ ફુટ પહોળો બરફનો પહાડ વહીને આવી પહોંચ્યો છે. ગામના લોકોને ડર છે કે આ આઇસબર્ગ પીગળવાથી તેમના જાનમાલને ખતરો થઇ શકે છે. આ બરફના પહાડનું વજન લગભગ ૧.૧ કરોડ ટન છે. આઇસબર્ગ ઓળવાના ડરથી ૩૩ લોકોએ ગામ છોડી દીધું છે. કોલંબીયા યુનિવર્સિટીના જળવાયુ શોધકર્તા જોર્ગ શેફર મુજબ મોટા આઇસબર્ગ આસાનીથી પીગળીને સમુદ્રમાં સમાઇ જતા નથી તે ઘણી ઉથલ-પાથલ મચાવે છે.

આ ગામના એક પોલીસ અધિકારી ગીડીયન કવીસ્ટે જણાવ્યું છે કે, લોકોએ પોતાની હોડીઓ ગુમાવી છે. તેઓ માછીમારી ફરવા કે શિકાર કરવા જઇ નથી શકતા. તેમણે જણાવેલ કે ગામના કિનારે આઇસબર્ગ આવવું સામાન્ય છે પણ આવડો મોટો પહાડ પહેલીવાર જોયો છે. તેમાં  તિરાડો અને કાણા છે. સ્થાનિક બોડીના સભ્યએ રેડીયો ઉપર જણાવેલ કે ગામવાળાઓએ આટલો મોટો આઇસબર્ગ કયારેય નથી જોયો.

હવામાન ખાતાએ પણ એક-બે દિવસમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આનાથી આઇસબર્ગ તૂટવાની આશંકા વધી ગઇ છે. જોકે અધિકારીઓને આશા છે કે પવન અને સમુદ્રી મોજા આ બરફના પહડાને ગામથી દૂર વહાવીને લઇ જશે. ગયા વર્ષે ગ્રીનલેન્ડના પશ્ચિમી કાંઠે આવેલ ગામમાં સુનામી આવેલ જેમાં ૪ લોકોના મોત થયેલ. સુનામી આવવાથી નજીકના પહાડમાંથીટુકડો તૂટીને સમુદ્રમાં પડી ગયેલ. પ્રો. શેફર મુજબ ગ્રીનલેન્ડમાં બરફની કમી થઇ રહી છે જેના લીધે આવનાર વર્ષોમાં મોટી સંખ્યામાં આઇસબર્ગ સમુદ્રમાં આવે તેવી સંભાવના છે.

(4:23 pm IST)