Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખુદ પોલીસ-ઓફિસરે પોતાના વિરૂદ્ધ જ ફરિયાદ લખી

મેરઠ તા.૧૬: સામાન્ય રીતે કોઇનાથી કંઇક ભૂલ કે ગુનો થાય તો એમાંથી કેવી રીતે છટકી શકાય અને કયાંક કોઇક પોલીસની ઓળખાણ નીકળે તો વાત વાળી લઇ શકાય એના રસ્તા આપણે શોધતા હોઇએ છીએ. જોકે ઉત્તર પ્રદેશના મેરઠમાં અવળો કિસ્સો બન્યો. મેરઠના ખરખૌદા પોલીસ-સ્ટેશનના મુખ્ય ઓફિસરે સરકારી દસ્તાવેજોમાં પોતાના જ વિરૂદ્ધ ફરિયાદ લખી છે. રાજેન્દ્ર ત્યાગી નામના ઓફિસરે પોતાના તેમ જ સાથી પોલીસકર્મીઓ વિરૂદ્ધ પોતાના કામમાં લાપરવાહી થતી હોવાનું જનરલ ડાયરીમાં લખ્યું છે. રાજેન્દ્ર ત્યાગીએ થોડાક સમય પહેલાં જ આ પોલીસ-સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો છે. તેણે ચાર્જ સંભાળ્યો એ જ વખતે નિયમ બનાવ્યો હતો ક તેમના ક્ષેત્રમાં જો ચોરી થશે તો દરેક કોન્સ્ટેબલ એ માટે જવાબદાર હશે. લૂંટ થશે તો જે-તે વિસ્તારના ઇન્ચાર્જની જવાબદારી રહેશે. જો આવી કોઇ પણ ઘટનાઓ ઘટશે અને એમાં લાપરવાહી થશે તો જે-તે ઇન્ચાર્જ વિરૂદ્ધ બેજવાબદારીનો રિપોર્ટ લખાશે. જો આવી લાપરવાહી બે વારથી વધુ વખત થશે તો એની ફરિયાદ ઉપરી અધિકારીઓને પહોંચાડવામાં આવશે. રાજેન્દ્ર ત્યાગીનું કહેવું છે કે આ નિયમને કારણે દરેક પોલીસ ઓફિસર ક્રાઇમ પર કાબૂ રાખવા વધુ મહેનત કરવા લાગે છે.

(4:16 pm IST)