Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પ.બંગાળમાં પૂજા કરવી પણ મુશ્કેલ : 'ભોગ' ધરાવ્યા વગર કોઇ કામ થતું નથી

મોદીએ મમતા પર કર્યો કટાક્ષ : વોટ બેંકના રાજકારણ, તુષ્ટિકરણને લીધે બંગાળમાં છે 'સીન્ડિકેટ સરકાર'

મીદાનપુર તા. ૧૬ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચિમ બંગાળમાં ખેડૂતોના મુદ્દે રાજય સરકાર અને વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું કે ખેડૂતો માટે કોઈએ વિચાર્યું નથી. સરકારે ખેડૂતો માટે લઘુત્તમ ટેકાના ભાવ વધારીને દેશના અન્નદાતાની આવક વધારવાનું કામ કર્યું છે. સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા પીએમએ વિપક્ષી દળોને આડેહાથ લીધા હતા. પીએમએ રાજય સરકાર પર જોરદાર પ્રહાર કર્યા હતા અને કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પૂજા કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરતા તેમણે ટાંકયું કે સિન્ડિકેટને ભોગ ધર્યા વગર કોઈ કામ કરાવવું મુશ્કેલ છે. પીએમ મોદીની મિદનાપુરની રેલીમાં ૨૦૧૯ની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વની માનવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણની શરૂઆતમાં પશ્યિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પર કટાક્ષ કર્યો હતો. રેલી સ્થળ પર લગાવાયેલા મમતા બેનર્જીના હોર્ડિંગનો ઉલ્લેખ કરીને મોદીએ કહ્યું કે મમતા બેનર્જી વડાપ્રધાનના સ્વાગત માટે ખુદ હાથ જોડીને હાજર હતા.

મોદીએ કહ્યું કે, 'હું મમતા દીદીનો ઘણો આભારી છું, કારણ કે મે જોયું કે તેમણે મારા સ્વાગતમાં આટલા બધા ઝંડા લગાવ્યા છે. હું તેમનો આભાર વ્યકત કરું છઉં. હું મમતા દીદીનો એટલા માટે પણ આભારી છું કારણ કે તેઓ સત્કાર કરતા હાથ જોડીને વડાપ્રધાનનું સ્વાગત કરવા ઉપસ્થિત છે. તેમણે ચોતરફ પોતાના હોર્ડિંગ્સ લગાવ્યા છે.' મોદીએ વધુમાં કહ્યું કે અમે ખેડૂતોના હિતમાં MSPમાં વધારો કરવાનો નિર્ણય કર્યો તેને લીધે જ તૃણમૂલે મારા સ્વાગત માટે ઝંડા લગાવવા પડ્યા.ઙ્ગ

વડાપ્રધાને મમતા સરકાર પર આકરા પ્રહાકો કરતા કહ્યું કે, રાજયમાં હવે પૂજા કરવાનું પણ મુશ્કેલ બન્યું છે. રાજયમાં લોકશાહી લોહીથી લથબથ થઈ છે. શું રાજયે આટલા માટે જ ડાબેરી સરકારથી મુકિત મેળવી હતી. શું આ મુસિબત માટે ડાબેરી સરકારને હટાવી હતી? વોટ બેન્કના રાજકારણ, તૃષ્ટિકરણને લીધે બંગાળમાં સીન્ડિકેટ સરકાર છે.

'ભોગ' ધરાવ્યા વગર કોઈ કામ નથી થતું. કોલેજમાં એડમિશન લેવા માટે પણ ચઢાવો આપવો પડે છે. બંગાળમાં આજે ડાબેરી શાસન કરતા પણ ખરાબ સ્થિતિ છે. રાજયમાં પંચાયત ચૂંટણી પણ આતંક અને હિંસા વચ્ચે થઈ હતી.(૨૧.૩૫)

 

(3:53 pm IST)