Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

રાજકોટ સહિતની વોકહાર્ટ હોસ્પીટલો વેચી નાખવાની તજવીજ

૯ વર્ષ પહેલા ફોર્ટીસને મુખ્ય હોસ્પીટલો વેચી દીધા બાદ ખોરાકીવાલા પ્રમોટેડ હોસ્પીટલ હવે નાગપુર, નાસીક અને રાજકોટ ખાતેની પ્રોપર્ટી વેચી નાખવાની તૈયારીમાં: ચેન્નાઇ ખાતે ઇન્વેસ્ટમેન્ટ બેંકને ખરીદદારો શોધવાનું કામ સોંપ્યું : વોકહાર્ટ ગૃપ માત્ર મુંબઇની હોસ્પીટલો જ ચાલુ રાખશેઃ એક બેડ ગૃપને પ૦ થી ૬૦ લાખ રૂપીયા કમાવી આપશેઃ રાજકોટમાં ર૦૦૬ માં ૧૭૦ બેડ સાથે એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પીટલ શરૂ થઇ હતીઃ જો કે જહાબીયા ખોરાકીવાલાએ કર્યો ઇન્કાર

મુબઇ, તા., ૧૬: ૯ વર્ષ પહેલા ફોર્ટીસને મોટા ભાગની હોસ્પીટલોની ચેઇન વેચી દીધા બાદ હાબીલ ખોરાકીવાલાના પ્રમોટરવાળી વોકહાર્ટ હોસ્પીટલ દ્વારા મુંબઇની બહાર આવેલી તેની ૭ જેટલી હોસ્પીટલોને વેચી નાખવાનું આયોજન ઘડવામાં આવ્યું છે તેમ ઇકોનોમીકસ ટાઇમ્સનો એક અહેવાલ જણાવે છે. અહેવાલ અનુસાર નાગપુર, નાસીક અને રાજકોટ ખાતેની પ્રોપર્ટી વેચી દેવા આ ગૃપ વિચારે છે તેવુ આ ઘટનાક્રમ સાથે સંકળાયેલા બે લોકોએ જણાવ્યું છે.  વોકહાર્ટએ આ મિલ્કતોના ખરીદદારોને શોધવા માટે ચેન્નાઇ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ બેંકને કામ પણ સોંપ્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે વોકહાર્ટ દ્વારાતેની મુંબઇ સ્થિત મિલ્કતો યથાવત રાખવામાં આવશે. જયારે અન્ય હોસ્પીટલો વેચી દેવામાં આવશે. આ પ્રક્રિયા હજુ પ્રારંભના તબક્કામાં છે અને જે હોસ્પીટલો ટાયર ટુ શહેરોમાં આવેલી છે તે આ ગૃપને એક બેડ રૂ. પ૦ થી ૬૦ લાખ કમાવી આપે તેવી શકયતા છે. હાલ   વોકહાર્ટ હોસ્પીટલ પાસે ૭ જેટલી હોસ્પીટલો હેઠળ ૧૦૦૦ જેટલા બેડ છે.

હાલ મુંબઇમાં તે ૩ હોસ્પીટલ ધરાવે છે. જેમાં સેન્ટ્રલ મુંબઇમાં ૩પ૦ બેડ, સાઉથ મુંબઇમાં, મીરા રોડ ઉપર ૩પ૦ બેડવાળી  મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ અને નવી મુંબઇના વાસીમાં ૪પ બેડવાળી હોસ્પીટલનો સમાવેશ થાય છે.

ર૦૦૬ માં રાજકોટમાં એન.એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પીટલનો પ્રારંભ થયો હતો. આ સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલમાં ૧૭૦ બેડ છે. જયારે નાગપુરમાં બે હોસ્પીટલો આવેલી છે. જેમાં ૧૧૮ બેડવાળી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ અને પ૦ બેડવાળી હાર્ટ હોસ્પીટલ છે. જયારે નાસીકમાં ર૦૦ બેડવાળી સુપર સ્પેશ્યાલીટી હોસ્પીટલ આવેલી છે.

ર૦૧૬માં વોકહાર્ટે ગોવાના કુનકોલીમમાં ૧૬૦ બેડવાળી હોસ્પીટલ બંધ કરી હતી. જયારે ર૦૧૩ માં ભાવનગરમાં હોસ્પીટલને તાળા લગાવી દીધા હતા.

આ અંગે જાબીયા ખોરાકીવાલા કે જેઓ વોકહાર્ટ હોસ્પીટલના એમડી છે. તેમણે આ ઘટના ક્રમને સત્યથી વેગળુ ગણાવ્યું હતું.

અત્રે નોંધનીય છે કે, ર૦૦૯ માં ફોર્ટીસ હેલ્થકેરે મુંબઇ, બેંગ્લોર અને કોલકતામાં ૯૦૯ કરોડના ખર્ચે ૧૦ વોકહાર્ટ હોસ્પીટલો હસ્તગત કરી હતી. હાલ ફોર્ટીસ ગૃપ પણ દેવાના ડુંગરમાં ખુંપી ગયું છે એ અત્રે નોંધનીય છે.

વોકહાર્ટ હોસ્પિટલની શાન સમા અને દર્દીઓની સફળ સારવાર કરનાર

ડો. જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ અને ડો. શ્રેણીક દોશીએ ૭ માસ પૂર્વે વોકહાર્ટને બાય બાય કરેલ

રાજકોટ : શહેરની ત્રણ દાયકા જૂની એમ.એન. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલે છેલ્લા પંદર વર્ષથી દર્દીઓની સેવા કરી ભારે નામના હાંસલ કરેલ. અનેક સુપર સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની ટીમ ખડેપગે સેવા કરતી હતી.

રાજકોટમાં નવી બનેલી માત્ર ડોકટરોના ડાયરેકટરના પદવાળી સિનર્જી સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલ છ માસ પૂર્વે પ્રારંભ થયો છે. જેમાં વોકહાર્ટ હોસ્પિટલના સુપર સ્પેશ્યાલીસ્ટ અને દર્દીઓના દર્દને સચોટ રીતે પારખી અને અસરકારક સારવાર કરી ભારે નામના હાંસલ કરનાર ડો.જયેશ ડોબરીયા, ડો.મિલાપ મશરૂ અને હૃદયરોગ નિષ્ણાંત અને દેશની ટોચની મેડીકલ કોલેજ એઈમ્સ હોસ્પિટલ નવી દિલ્હીના ગોલ્ડમેડાલીસ્ટ ડો.શ્રેણીક દોશીએ વોકહાર્ટ હોસ્પિટલ છોડ્યા બાદ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર અસર જોવા મળી છે.

(3:38 pm IST)