Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

યુપીમાં મહાગઠબંધન વિરૂધ્ધ BJPની બે ફોર્મ્યુલા : વિકાસ અને બ્રાન્ડ મોદી પર વિશ્વાસ

મહાગઠબંધનના અસ્તિત્વમાં આવવાથી બીજેપીની જીતની સંભાવના પર મોટો ખતરો મંડરાઇ રહ્યો છે

નવી દિલ્હી તા. ૧૬ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ઉત્તરપ્રદેશના આજમગઢમાં ૩૪૨ કિમી લાંબા પૂર્વાંચલ એકસપ્રેસ-વેનો શિલાન્યાસ કર્યો. ૨૦૧૯માં સૌથી વધારે બેઠકવાળા ઉત્તર પ્રદેશના પરિણામની સીધી અસર લોકસભામાં જોવા મળશે. એવામાં સપા-બસપા-કોંગ્રેસના મહાગઠબંધનને પહોંચીવળવા માટે બીજેપીએ રણનીતી પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.

બીજેપીની નવી રમનીતિ બે વસ્તુ પર આધારિત છે - વિકાસ અને બ્રાંડ મોદી પર વિશ્વાસ... પોતાની આ બે રણનીતીના સહારે બીજેપી ઉત્તર પ્રદેશમાં સપા, બસપા, કોંગ્રેસ અને અન્ય નાની પાર્ટીઓના ગઠબંધન સાથે મુકાબલો કરશે. હાલના દિવસોમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, મહાગઠબંધનના અસ્તિત્વમાં આવવાથી બીજેપીની જીતની સંભાવના પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે.

ગોરખપુર-ફૂલપુરમાં થયેલ લોકસભા પેટાચૂંટણીના પરિણામે આ ખતરા પર સૌનું ધ્યાન દોર્યું, તો કૈરાના પેટાચૂંટણીમાં વિપક્ષે સંયુકતરૂપે મુસ્લીમ ઉમેદવાર ઉતાર્યો, અને જીત પણ મળી.

બીજેપીના સૂત્રોનું કહેવું છે કે, કૈરાનામાં થયેલ હાર બાદ પાર્ટી ૨૦૧૯ પહેલા સંભવિત મહાગઠબંધન વિરુદ્ઘ રણનીતી બનાવવાને લઈ ચિંતિત છે. પાર્ટી અધ્યક્ષ અમિત શાહે પણ પોતાના હમણાં જ કરેલા યૂપી પ્રવાસમાં કાર્યકર્તાઓને સંયુકત વિપક્ષની સંભાવના જોઈ અત્યારથી તૈયારીમાં લાગી જવાનો આદેશ આપ્યો છે.

સંયુકત વિપક્ષ વિરુદ્ઘ બેજેપીની રમનીતીની પહેલી ઝલક ત્યારે જોવા મળી જયારે પીએમ મોદી સંત કબીર શ્રદ્ઘાંજલી અર્પિત કરવા ઉત્ત્।રપ્રદેશના મગહર ગયા હતા. કબિરમાં દલિત પછાતવર્ગ અને મુસલમાન તમામ વર્ગના લોકોને શ્રદ્ઘા છે.

મગહરમાં કબીરને માનનારા લોકોને એક મોટો સંદેશ આપતા પીએમ મોદીએ વિકાસને લઈ પોતાની પાર્ટીની પ્રતિબદ્ઘતા પર જોર આપ્યું. સાથે તેમણે અખિલેશ યાદવ, માયાવતી પર ગરીબોને ધોખો આપવાનો આરોપ પણ લગાવ્યો હતો.

આજમગઢમાં પીએમ મોદીના શનિવારના ભાષણથી પણ સ્પષ્ટ થાય છે કે, બીજેપી ૨૦૧૯નું ચૂંટણી અભિયાન વિકાસના એજન્ડા પર જ કરશે, અને તેના માટે પીએમ મોદી જ મેદાને ઉતરશે. આ રીતે પાર્ટી બ્રાંડ મોદીનો વધારેમાં વધારે ફાયદો ઉઠાવવા માંગશે.

એમાં કોઈ શક નથી કે, વિકાસનો મુદ્દો લઈ આગળ વધીને બીજેપી અને પીએમ મોદી સપા, બસપા અને કોંગ્રેસને અલગ કરવાની કોશિસ પણ કરશે. તમને જણાવી દઈએ કે ઉ્તર પ્રદેશમાં લાંબા સમયથી જાતીગત વ્યવસ્થાએ રાજનીતિ પર મોટો પ્રભાવ પાડ્યો છે.

આજમગઢમાં તમામ લોકો આશા કરી કરી રહ્યા હતા કે, પીએમ સપા-બસપા પર પ્રહાર કરશે. પરંતુ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મે એક સમાચાર પત્રમાં વાંચ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ કહી રહ્યા છે કે, કોંગ્રેસ મુસ્લિમોની પાર્ટી છે. મને તેમાં કોઈ આશ્યર્ય ન થયું. પરંતુ હું માત્ર એ પુછવા માંગુ છુ કે, તેમની પાર્ટી માત્ર મુસ્લિમ પુરૂષોની છે કે મુસ્લિમ મહિલાઓની પણ છે? આ લોકો સંસદમાં કાયદાને દબાવીને બેસી જાય છે.

૨૦૧૯ના અભિયાન માટે બીજેપીએ દરેક રાજયની સ્થાનિક પાર્ટી માટે એક અલગ સ્ટ્રેટજી તૈયાર કરવાની સાથે જ રાષ્ટ્રીય સ્તર પર કોંગ્રેસ પાર્ટીને રોકવાની પણ યોજના બનાવી છે. ગત વર્ષે મુસ્લિમ સમુદાયના સ્કોલર્સની રાહુલ ગાંધી સાથેની મુલાકાતનો બીજેપીએ પૂરો ફાયદો ઉઠાવ્યો અને કોંગ્રેસ પર મુસ્લિમોના તુષ્ટીકરણનો આરોપ લગાવ્યો. આ સાથે મુસ્લિમ સમુદાયમાં પણ લીંગના આધારે એક રેખા ખેંચી કાઢી છે. જેથી મુસ્લીમ સમુદાયમાં મહિલાઓ બીજેપીનું સમર્થન કરશે.

બીજેપીને સારી રીતે ખબર છે કે, દિલ્હીનો રસ્તો ઉત્તર પ્રદેશ થઈને જ જાય છે. યૂપીમાં ૮૦ લોકસભા સીટ છે. એવામાં બીજેપીના વિકાસ અને બ્રાંડ મોદીની રણનીતી હેઠળ આ વર્ષે પીએમ મોદી રાજયમાં કેટલાએ અન્ય પ્રવાસ કરી શકે છે.(૨૧.૫)

(11:54 am IST)