Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

દિલ્હીમાં એરહોસ્ટેસનું શંકાસ્પદ હાલતમાં મોત

ભાઇએ લગાવ્યો હત્યાનો આરોપ

નવી દિલ્હી તા. ૧૬ : દિલ્હીના હોજખાસના પોશ વિસ્તારના પંચશીલ પાર્કમાં એક એરહોસ્ટેસે બીજા માળેથી શંકાસ્પદ હાલતમાં પડી જવાથી મોત થઇ ગયું છે. એર હોસ્ટેસે થોડા વર્ષ પહેલા જ લગ્ન કર્યા હતા. પતી-પત્ની બંને વચ્ચે ઝગડો થયો હોવાના અહેવાલ મળ્યા છે. પોલીસ અધિકારીઓએ પ્રારંભિક તપાસમાં આત્મહત્યા બતાવી છે. એર હોસ્ટેસે આત્મહત્યા કર્યા પહેલા પોતાના પતિ તેમજ પરિવારને મેસેજ કર્યો હતો.

દિલ્હીના હૌજ ખાસ વિસ્તારમાં એક એર હોસ્ટેસે મોતની છલાંગ લગાવી. ૩૯ વર્ષીય અનિશિયા બત્રા એ મોતની છલાંગ લગાવતા પહેલાં પોતાના પતિને એક ચેતવણી આપતો મેસેજ કર્યો હતો. જયાં સુધી પતિ ધાબા પર પહોંચે તે પહેલાં જ અનિશિયાએ મોતની છલાંગ લગાવી દીધી હતી.

મૃતક અનિશિયાના પરિવારનો આરોપ છે કે, તેના પતિ અને સાસરીપક્ષ દ્વારા તેના પર દહેજને લઈને દબાણ કરવામાં આવતું હતું. મતૃક અનિશિયાના પતિ મયંકનું કહેવું છે કે, હું ધાબા પર પહોંચ્યો ત્યાં સુધીમાં તેણે છલાંગ લગાવી દીધી હતી. બાદમાં તેને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવી પણ ત્યાં તેનું મોત થઈ ગયું.

જયારે મૃતક અનિશિયાના ભાઈના જણાવ્યા મુજબ, બે વર્ષ અગાઉ તેના લગ્ન થયા હતા. લગ્ન બાદ તેના સાસરીપક્ષ દ્વારા દહેજની માગણી કરવામાં આવતી અને અનિશિયાને હેરાન પરેશાન કરવામાં આવતી હતી. આ સિવાય તેની સાથે મારપીટ પણ કરવામાં આવતી. જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે.

પરિવારે લેખિતમાં પોલીસને જાણ કરી હતી કે, જો અનિશિયા સાથે કંઈ પણ થશે તો તેના સંપૂર્ણ જવાબદાર તેના પતિ અને સાસરીપક્ષના લોકો હશે. તો મૃતકના પરિવારે હત્યાની આશંકા વ્યકત કરી છે. ઘટનાના પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.(૨૧.૭)

(11:52 am IST)