Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખનખનીયાના ખેલ... નીટમાં શૂન્ય નંબર છતાં MBBSમાં એડમીશન

દેશની એજ્યુકેશન સિસ્ટમ સાથે ભયંકર ખિલવાડઃ ૨૦૧૭માં નીટમાં શૂન્ય માર્ક મેળવનારને પણ ડોકટર બનવા માટે એમબીબીએસમાં પ્રવેશ મળી ગયોઃ ૪૦૦ છાત્રોને ફીઝીકસ અને કેમેસ્ટ્રીમાં સિંગલ ડીઝીટ નંબર મળ્યા અને ૧૧૦ છાત્રોને ૦ નંબર મળ્યા છતા પણ પ્રાઈવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળી ગયોઃ આવા પ્રવેશ મળતા હોય તો પછી ટેસ્ટની જરૂર શું છે ?

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશની એજ્યુકેશન સિસ્ટમમાં કઈ રીતે ઘાલમેલ અને તેની સાથે કઈ રીતે ખીલવાડ થઈ રહ્યો છે તેનુ એક ઉદાહરણ ૨૦૧૭માં એમબીબીએસમાં થયેલા એડમીશનથી મળે છે. મોટી સંખ્યામાં એવા છાત્રોને પણ એમબીબીએસમાં એડમીશન મળ્યુ જેમને નીટમા ઝીરો કે સિંગલ ડીઝીટમાં નંબર મળ્યા હોય.

મેડીકલ કોર્ષ માટે આયોજીત પ્રવેશ પરીક્ષા નીટમાં ઓછામાં ૪૦૦ છાત્રોને ફીઝીકસ અને કેમેસ્ટ્રીમાં સિંગલ ડીઝીટ નંબર મળ્યા અને ૧૧૦ છાત્રોને ૦ નંબર મળ્યા હતા. આમ છતા આ બધા છાત્રોને એમબીબીએસમાં પ્રવેશ મળ્યો હતો. મોટા ભાગના છાત્રોને પ્રવેશ પ્રાઈવેટ મેડીકલ કોલેજોમાં મળ્યો હતો. હવે એ સવાલ ઉઠે છે કે ૦ નંબર મળ્યા બાદ પણ છાત્રોને પ્રવેશ મળતો હોય તો આ પરીક્ષાની જરૂર કેટલી રહે છે? ૧૯૯૦ છાત્રોના માર્કનું વિશ્લેષણ કરાયુ જેમાં તેઓના માર્ક ૧૫૦થી પણ ઓછા હતા. ૫૩૦ એવા છાત્રો સામે આવ્યા જેમને ફીઝીકસ, કેમેસ્ટ્રી કે બન્નેમાં ૦ કે સિંગલ ડીઝીટ નંબર મળ્યા હતા.

શરૂઆતમાં કોમન એન્ટરન્સ પરીક્ષા માટે જારી જાહેરનામામાં દરેક વિષયમાં ઓછામા ઓછા ૫૦ નંબર લાવવાનું જરૂરી હતુ. બાદમાં જાહેરનામામા પર્સન્ટાઈલ સિસ્ટમને અપનાવવામાં આવેલ અને દરેક વિષયમાં અનિવાર્ય નંબરની બાધ્યતા સમાપ્ત કરવામાં આવી હતી. આની અસર એ થઈ કે અનેક કોલેજોમાં શૂન્ય કે સિંગલ ડીઝીટ નંબરવાળા છાત્રોને એડમીશન મળ્યુ.

એમબીબીએસ કોર્ષમાં ૧૫૦થી કે તેથી વધુ માર્કસ લાવી પ્રવેશ મેળવતા છાત્રોના અનેક ઉદાહરણ છે. ૨૦૧૭માં ૬૦ હજાર બેઠકો માટે ૬.૫ લાખથી વધુ છાત્રોને કવાલીફાય કરાયા હતા. આમાથી ૫.૩૦ લાખ છાત્રોને પ્રાઈવેટ મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળ્યો હતો. આ લોકોએ સરેરાશ ટયુશન ફી તરીકે ૧૭ લાખ રૂપિયા પ્રતિવર્ષનું ચૂકવણુ કર્યુ હતુ. તેમા હોસ્ટેલ, મેસ, લાયબ્રેરી અને અન્ય ખર્ચ સામેલ ન હતા. આનાથી જણાય છે કે, કઈ રીતે પૈસાના બળે નીટમાં ઓછા નંબર આવ્યા બાદ પણ છાત્રોને મેડીકલ કોલેજોમાં પ્રવેશ મળ્યો હતો. આમાથી અડધાથી વધુ છાત્રો ડીમ્ડ યુનિ.માં છે અને આ ડીમ્ડ યુનિ.એ ખુદનુ એમબીબીએસ એકઝામ કરવાની સત્તા છે. એવામા સંભાવના છે કે આ છાત્રો એમબીબીએસની પરીક્ષા કલીયર કરી દેશે અને ડોકટર બની પ્રેકટીશ પણ કરી દેશે.(૨-૮)

 

(11:46 am IST)