Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

CBIમાં જુથબંધીનો સળગ્યો દાવાનળઃ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે ટક્કર

એક જુથ સીબીઆઈના ડાયરેકટર આલોક વર્માનું તો બીજુ જુથ સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાનાનું: અસ્થાનાના જુથે વર્મા જુથના અધિકારીઓનું પોસ્ટીંગ થવા ન દીધુ તો વર્માએ અસ્થાનાના માણસોનું એક્ષ્ટેન્શન ન આપ્યું: સીબીઆઈએ સીવીસીને એક પત્ર લખી સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાના પાસે સીબીઆઈના ચીફ આલોક વર્માનું પ્રતિનિધિત્વ કરવાનો મેન્ડેટ નથી : સીબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનું ટાઈમીંગ મહત્વનું છે કારણ કે તે ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓની તપાસ કરી રહી છે

નવી દિલ્હી, તા. ૧૬ :. દેશની ટોચની તપાસ એજન્સી સીબીઆઈમાં વધુ ઠીકઠાક નથી ચાલતુ. એક જુથ ડાયરેકટર આલોક વર્માનું છે તો બીજુ જુથ સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાનાનુ હોવાનુ બહાર આવ્યુ છે. મળતા અહેવાલો મુજબ અસ્થાના જુથે વર્મા જુથના અધિકારીઓનું પોસ્ટીંગ થવા નથી દીધુ તો ડાયરેકટર વર્માએ અસ્થાના ખાસ માણસોને સીબીઆઈમાં એક્ષ્ટેન્શન આપ્યુ નથી. આ ઘટનાક્રમથી નારાજ સીબીઆઈના વડા આલોક વર્માએ અસ્થાનાનું પ્રમોશન અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ લડાઈની અસર સીબીઆઈના અતિ સંવેદનશીલ મામલાઓ ઉપર પણ પડી રહી છે. પીએમઓએ પણ આ બાબતની ભાળ મેળવી છે પરંતુ હસ્તક્ષેપ છતા લડાઈ થંભી નથી, કોંગ્રેસે આ અંગે જોરદાર ટીકા કરી છે અને કહ્યુ છે કે ભાજપ મોટી સંસ્થાઓને ખતમ કરી રહી છે.

સીબીઆઈએ સેન્ટ્રલ વિજીલન્સ કમિશન એટલે કે સીવીસીને લખ્યુ છે કે, અમારા બીજા નંબરના સિનીયર ઓફિસર સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ આસ્થાના પાસે પોતાના વડા એટલે કે ચીફ ડાયરેકટર આલોક વર્માનું પ્રતિનિધિત્વનો કરવાનો મેન્ડેટ નથી. સીબીઆઈએ સીવીસીને એવુ પણ કહ્યુ છે કે, અધિકારીઓ જેમને સંસ્થામાં સામેલ કરવા ઉપર વિચાર કરી રહ્યુ છે, તેઓ સ્વયં ક્રિમીનલ કેસમાં શંકાસ્પદ આરોપી છે અને સીબીઆઈ તેની તપાસ કરી રહ્યુ છે.

પત્રમાં એવુ જણાવાયુ છે કે અસ્થના પોતે અનેક મામલામાં ખુદ તપાસમાથી પસાર થઈ રહ્યો છે. એજન્સીએ કહ્યુ છે કે, સીબીઆઈની નિષ્ઠા યથાવત રાખવા માટે ડાયરેકટરની ગેરહાજરીમાં તેમની પાસેથી સીબીઆઈમાં અધિકારીઓને સામેલ કરવા માટે સલાહ લેવામાં આવતી નથી.  એજન્સીએ પ્રસ્તાવિત અધિકારીઓની ઉચીત તપાસ કરવા માટે યોગ્ય સમય માગ્યો છે.

ઈન્ડીયન એકસપ્રેસ દ્વારા સીબીઆઈના પ્રવકતાનો સંપર્ક કરવામા આવતા સંપર્ક થઈ શકયો ન હતો. સીબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓનો સમય એટલા માટે મહત્વનો છે કે તે આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા અનેક રાજકીય નેતાઓની તપાસ કરી રહી છે.

સીબીઆઈએ પોતાની ચિંતા પોતાના નીતિ ડિવીઝન દ્વારા બે પત્રોમાં સીવીસીને મોકલાવી છે. આ પત્ર ૧૦ જુલાઈના રોજ સીવીસીના ટેલીફોન કોલના જવાબમાં મોકલવામાં આવ્યા છે. જેમાં ૧૨ જુલાઈએ સીબીઆઈ પસંદગી સમિતિની બેઠકની માહિતી આપવામાં આવી હતી. સીબીઆઈના ડાયરેકટરની ગેરહાજરી બાદ ડિવીઝન દ્વારા મોકલવામાં આવેલા પત્રમાં સીવીસીને જણાવાયુ છે કે, બેઠકને લઈને તેને કોઈ ઔપચારીક એજન્ડા મળ્યો ન હતો.

સીબીઆઈએ ૧૨ જુલાઈની બેઠકને ૧૯ જુલાઈ બાદ કોઈપણ તારીખમા કરાવવા જણાવ્યુ છે. આ માટે તેણે દિલ્હી સ્પેશ્યલ પોલીસ એસ્ટાબ્લીસમેન્ટ એકટ, ૧૯૪૬ની કલમ ૪-સી નો હવાલો આપ્યો છે જે જણાવે છે કે, કેન્દ્ર સરકારને પોતાની ભલામણો સોંપતા પહેલા કમિટી ડાયરેકટર સાથે ચર્ચા કરશે. સીબીઆઈના વડા આલોક વર્મા ૧૨ જુલાઈના રોજ ઉરૂગ્વેમાં ઈન્ટરપોલની એક કોન્ફરન્સમાં ભાગ લેતા હતા. જ્યારે સીવીસીના ફોન પર સીબીઆઈના વડાનો કાર્યભાર સંભાળતા અને સિનોરીટીના બીજા ક્રમે  આવતા સ્પેશ્યલ ડાયરેકટર અસ્થાનાને બેઠકમાં ભાગ લેવા જણાવાયુ ત્યારે સીબીઆઈએ બીજો પત્ર લખ્યો જેમાં જણાવાયુ કે, સીબીઆઈના વડાનો કાર્યભાર-પાવર્સ અસ્થાનાને આપવામાં આવ્યા નથી.

સીવીસીના અધ્યક્ષ પદવાળી પસંદગી સમિતિની ભૂમિકા એ સમયે ચર્ચામાં આવી કે જ્યારે ગયા વર્ષે અસ્થાના સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર બન્યા હતા. સમિતિએ એ સમયે અસ્થાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો અને તેમના નામ પર વાંધો ઉઠાવતા સીબીઆઈના વડા વર્માની નોંધને દરકિનાર કરવામાં આવી હતી.

આ મહિને એક અલગ મામલામાં સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા બાદ ઈડીના સંયુકત વડા રાજેશ્વરસિંહને તપાસથી મળેલી છૂટને હટાવી હતી. સિંહ વિવાદીત એરસેલ-મેકસીસ કેસની તપાસ કરતા હતા.(૨-૨૦)

(3:50 pm IST)