Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ખેડૂતોના નામ ઉપર વિપક્ષ માત્ર રાજનીતિ કરતા રહ્યા છે : મોદી

લોકસભા ચૂંટણી પહેલા મોદી મિરઝાપુરમાં ચૂંટણી મોડમાં દેખાયા : ખેડૂતો માટે બનાવટી આંસુ દેખાડનાર ઘણા રાજકીય પક્ષોએ ખેડૂતોના હિતમાં ક્યારેય પગલા લીધા નથી : એમએસપીની કિંમત દોઢ ગણી અમે કરી બતાવી

મિરઝાપુર, તા. ૧૫ : લોકસભાની ચૂંટણી પહેલા પૂર્વાંચલના પ્રવાસ ઉપર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આક્રમક અંદાજમાં વિરોધ પક્ષો ઉપર પ્રહાર કર્યા હતા. મોદી સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં નજરે પડ્યા હતા. ઉત્તરપ્રદેશમાં ખેડૂત વસ્તી ધરાવતા મિરઝાપુર જિલ્લામાં એક જનસભાને સંબોધતા વડાપ્રધાને કોંગ્રેસના નામનો ઉલ્લેખ કર્યા વગર તેજાબી પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકો ખેડૂતોના નામ ઉપર બનાવટી આંસુ દેખાડે છે પરંતુ ખેડૂતોના હિતમાં હજુ સુધી કોઇપણ પગલા લીધા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી બાણસાગર સિંચાઈ યોજના અટવાયેલી હતી પંરતુ અગહાઉની સરકારોએ તેને પૂર્ણ કરવા માટે કોઇ પ્રયાસ કર્યા ન હતા. ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય મૂલ્યો પણ આપવામાં આવ્યા નથી. આના માટે પણ તેમની સરકારે જ આવીને કામ કર્યું છે અને એમએસપીને દોઢ ગણી કરીને ખેડૂતોને રાહત આપી છે. ભોજપુરીમાં પોતાના ભાષણની શરૂઆત કરતા મોદીએ કહ્યું હતું કે, આ સમગ્ર ક્ષેત્ર દિવ્ય અને અલૌકિક છે. વિંધ્ય પર્વત અને ભાગીરથી વચ્ચે આ ક્ષેત્ર સદિયોથી અપાર સંભાવનાઓથી ભરપુર છે. હાલમાં જ ફ્રાંસના પ્રમુખ આવ્યા હતા અને માતા વિંધ્યાવાસીનીના સંદર્ભમાં સાંભળીને આશ્ચર્યચકિત થયા હતા. પૂર્વાંચલના લોકોના જીવનમાં કૃષિ મહત્વપૂર્ણ છે. બાણ સાગર યોજનાથી આ ક્ષેત્રના દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈની સુવિધા મળશે. તેમણે ઉમેર્યું હતું કે, આ યોજનાની રુપરેખા ૪૦ વર્ષ પહેલા તૈયાર કરવામાં આવી હતી પરંતુ કામ શરૂ થતાં ૨૦ વર્ષ લાગી ગયા છે ત્યારબાદ અનેક સરકારો આવી છે પરંતુ આ યોજના પુરી થઇ શકી નથી. વર્ષ ૨૦૧૪માં જ્યારે તેમની સરકાર આવી ત્યારે અટવાયેલી આ યોજનામાં આનું પણ નામ સામેલ હતું. અમે બાણ સાગર યોજનાને પૂર્ણ કરવા માટે તમામ તાકાત લગાવી દીધી હતી. યોગી આદિત્યનાથની સરકાર બન્યા બાદથી સવા વર્ષના ગાળામાં જે ગતિથી વિકાસની કામગીરી થઇ છે તેના લીધે જ આ યોજના પણ પૂર્ણ થઇ શકી છે. વડાપ્રધાને કહ્યું હતું કે, અગાઉની સરકારોએ યોજનાઓને પૂર્ણ કરવા તરફ ધ્યાન આપ્યું ન હતું. જે લોકો હાલના દિવસોમાં ખેડૂતોના નામ ઉપર હોબાળો કરી રહ્યા છે તે લોકોને પુછવાની જરૂર છે કે, તેમના શાસનકાળમાં દેશભરમાં ફેલાયેલી આ પ્રકારની અધુરી સિંચાઈ યોજનાઓ કેમ આગળ વધી શકી નથી. બાણ સાગર યોજનાને પૂર્ણ કરીને અમે ઇચ્છા શક્તિનો પરિચય આપી ચુક્યા છે. દેશને પણ આર્થિકરીતે આ પ્રકારની પાર્ટીઓથી નુકસાન થયું છે. બાણ સાગર યોજના ૩૦૦ કરોડ રૂપિયાથી શરૂ થઇ હતી પરંતુ અગાઉની સરકારોના ઉદાસીન વલણના લીધે આ યોજના પર હવે ૩૫૦૦ કરોડ રૂપિયાનો જંગ ખર્ચ થયો છે. લોકોના પૈસાના બગાડ માટે અગાઉની સરકારો જવાબદાર છે. મોદીએ અપના દલના સ્થાપક સોનેલાલ પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમમે ઉમેર્યું હતું કે, પૂર્વાંચલ અમારી વિકાસની પ્રાથમિકતા છે. અહીંના ગરીબ, શોષિત અને વંચિત લોકો માટે સોનેલાલ પટેલ જેવા કર્મશીલ લોકોએ જે સપના જોયા હતા તે સપનાઓને અમે આગળ વધારી રહ્યા છીએ. ખેડૂતોના નામ ઉપર માત્ર રાજનીતિ થતી રહી છે. સોનેલાલ પટેલની પુત્રી અનુપ્રિયા મિરઝાપુરમાંથી સાંસદ તરીકે છે. તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાંપાંચ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવી ચુક્યા છે. આના માટે કેન્દ્રની યોજનાઓની ભૂમિકા મોટી રહી છે.

(12:00 am IST)