Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મોદી બિમાર માનસિકતાના શિકાર છે : કોંગ્રેસના પ્રહારો

વડાપ્રધાન પદ પરની વ્યક્તિને નિવેદન શોભતા નથી : વડાપ્રધાન મોદીના મુસ્લિમ પુરુષોની પાર્ટીવાળા નિવેદનને લઇ શર્માના પ્રહારો : કોંગ્રેસની ઘણા આંદોલનમાં ભૂમિકા

નવીદિલ્હી, તા. ૧૫ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી મુસ્લિમ પુરુષોની પાર્ટી દર્શાવવા પર કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ આજે કહ્યું હતું કે, કોઇ પાર્ટીને મુસ્લિમ પાર્ટી કહેવાની બાબત વડાપ્રધાનના પદ ઉપર રહેલી કોઇ વ્યક્તિ માટે યોગ્ય બાબત નથી. તેમના જેવા હોદ્દા પર રહેલી વ્યક્તિ માટે આ બાબત શોભા આપતી નથી. શર્માએ કહ્યું હતું કે, વડાપ્રધાનને ઇતિહાસને લઇને ઓછી માહિતી છે. તેઓ પોતાના ઇતિહાસને પોતે જ લખે છે. મોદી ઉપર રાજનીતિના સ્તરને નીચે લઇ જવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન સમગ્ર દેશના હોય છે. માત્ર ભાજપના હોતા નથી. તેમની મુખ્ય વિરોધ પાર્ટી કોંગ્રેસે અનેક રાષ્ટ્રીય આંદોલન અને સ્વતંત્રતાના સંઘર્ષમાં ભૂમિકા ભજવી છે. વડાપ્રધાનના નિવેદન ઉપર વળતા પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, તેમને એ બાબત યાદ રાખવાની જરૂર છે કે, મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ, લાલા લાજપતરાય, મૌલાના આઝાદ જેવા નેતા અધ્યક્ષ રહી ચુક્યા છે. કોંગ્રેસ અધ્યક્ષોની યાદી પોતાના ઓફિસમાં રાખે તો મોદી માટે સારી બાબત રહેશે. આવી સ્થિતિમાં તેમને ખોટા નિવેદન કરવાની જરૂર પડશે  નહી. આનંદ શર્માએ કહ્યું હતું કે, મોદીએ પોતાના નિવેદનથી માત્ર ઇતિહાસનું અપમાન કર્યું નથી બલ્કે ભારતની ઉપલબ્ધીઓને પણ નજર અંદાજ કરી દીધી છે. તેમની આ પ્રકારની સ્થિતિ તેમની બિમાર માનસિકતા દર્શાવે છે. મોદી બિમાર માનસિકતાનો શિકાર છે. આ બાબત દેશ માટે ચિંતાજનક છે. વડાપ્રધાને જે નિવેદન આપ્યા છે તે ઇતિહાસ અને તથ્યો મુજબ સંપૂર્ણપણે ખોટા હોવાની વાત પણ તેમણે કરી હતી. મુસ્લિમ પુરુષોની પાર્ટીવાળા નિવેદનના કારણે આગામી દિવસોમાં રાજનીતિ વધુ તીવ્ર બને તેવા સંકેત દેખાઈ રહ્યા છે. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે આક્ષેપબાજી શરૂ થઇ છે.

(12:00 am IST)