Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ટ્રેનમાં એસીની મુસાફરી વધુ મોંઘી થશે : ચાર્જને વધારાશે

એસી કોચમાં અપાતા બેડરોલ કિટ્સ ચાર્જ વધશે : ડુરન્ટો અને ગરીબરથ એક્સપ્રેસમાં પણ ચાર્જ લાગૂ કરાશે

નવીદિલ્હી, તા. ૧૫ : ટ્રેનના એસી કોચમાં મુસાફરી કરવાની બાબત વધારે મોંઘી બની શકે છે. રેલવે દ્વારા એસી ટ્રેન અને કોચમાં આપવામાં આવતા બેડરોલ કિટના ચાર્જમાં વધારો કરવાની તૈયારી કરી લીધી છે. એટલું જ નહીં હાલમાં આ ચાર્જમાં છુટ ધરાવતી ડુરન્ટો અને ગરીબરથ એક્સપ્રેસમાં પણ યાત્રા કરવાની સ્થિતિમાં આ ચાર્જ લાગૂ થશે. આ ચાર્જમાં છેલ્લા ૧૨ વર્ષમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં ન આવતા પ્રશ્નો ઉઠી રહ્યા હતા. આખરે ચાર્જમાં વધારો કરવામાં આવી રહ્યો છે. કેગ દ્વારા એવી ભલામણ કરવામાં આવી છે કે, આ ચાર્જને પણ ટ્રેનના ભાડાની સાથે જ જોડી દેવામાં આવે તે જરૂરી છે. હાલમાં રેલવે તમામ એસી કોચમાં બેડરોલ કિટ્સ સપ્લાય કરે છે અને તેમની ૨૫ રૂપિયા કિંમત ટિકિટમાં જોડી દેવામાં આવે છે. અલબત્ત ગરીબરથ એક્સપ્રેસ અને ડુરન્ટો જેવી ટ્રેનોમાં આ ચાર્જ લાગૂ થતાં નથી. આ ટ્રેનોમાં યાત્રી કિટ્સનું બુકિંગ કોઇપણ પ્રકારના વધારાના ચાર્જ આપ્યા વગર થઇ શકે છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, બેડરોલના ચાર્જમાં વધારો કરવામાં આવનાર છે. કેગના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ૧૨ વર્ષના ગાળામાં તેના ચાર્જમાં કોઇ સમીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. હજુ સુધી તેની સાફ સફાઈ અને મેઇન્ટેનન્સનો ખર્ચ અનેકગણો વધી ચુક્યો છે. આ સંદર્ભમાં નોંધ મળી છે અને ચાર્જમાં સમીક્ષા કરવાની માંગ ઉઠી રહી છે. હંમેશા કિંમત એક જેવી રાખી શકાય નહીં. ગરીબરથ જેવી ટ્રેનોમાં પણ બેડરોલના ચાર્જની સમીક્ષા કરવામાં આવશે. આવનાર છ મહિનામાં તેના ચાર્જ પણ ટિકિટ સાથે જોડવામાં આવશે. આ નોંધમાં બેડરોલ કિટ્સના ચાર્જની સમીક્ષા કરવાની વાત કરવામાં આવી છે. કિટ્સમાં બે ચાદર, કવર સમેતની ચીજોનો સમાવેશ થાય છે. વર્ષ ૨૦૦૬માં ગરીબરથ ટ્રેનોની શરૂઆત થયા બાદથી ચાર્જની સમીક્ષા કરાઈ નથી.

(9:06 am IST)