Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

પાક ચૂંટણી : હાફીઝની પાર્ટીનું પેજ આખરે રદ કરી દેવાયું છે

પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા હાફીઝને ફટકો પડ્યો : મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડની પાર્ટીના પેજ ઉપરાંત ઉમેદવારોની વિગતોને પણ ફેસબુકે ડિલિટ કરી દીધી છે

ઇસ્લામાબાદ, તા. ૧૫ : પાકિસ્તાન ચૂંટણીમાં ઉતરવાની તૈયારી કરી રહેલા ત્રાસવાદી હાફીઝ સઇદ અને તેના ઉમેદવારોને ચૂંટણીથી પહેલા જ મોટો ફટકો પડી ગયો છે. સોશિયલ મિડિયાના સૌથી મોટા પ્લેટફોર્મ ફેસબુકે મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ અને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી હાફીઝ સઇદની પાર્ટી મિલિ મુસ્લિમ લીગના પેજને ડિલિટ કરી દેવાની જાહેરાત કરી છે. મિલિ મુસ્લિમ લીગ દ્વારા પણ આને સમર્થન આપી દેવામાં આવ્યું છે. ફેસબુકે હાફીઝ સઇદની પાર્ટી અને ઉમેદવારોના પેજને ડિલિટ કરીને મોટો ફટકો આપી દીધો છે. માત્ર પાર્ટી જ નહીં બલ્કે ફેસબુકે પાર્ટીના ઉમેદવારો ઉપરાંત તેની સાથે જોડાયેલા અનેક પેજને ડિલિટ કરી દીધા છે. સોશિયલ મિડિયા કંપનીએ આ નિર્ણય કેમ કર્યા છે તે અંગે કોઇ કારણ પાર્ટી તરફથી આપવામાં આવ્યા નથી. મિલિ મુસ્લિમ લીગના નેતાએ કહ્યું છે કે, આ અભિવ્યક્તિની સ્વતંત્રતા સામે પ્રહાર તરીકે છે. તેમની સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ફેસબુકે પોતાની નિતીઓનો ખુલ્લો ભંગ કર્યો છે. પાકિસ્તાનમાં ૨૫મી જુલાઈના દિવસે ચૂંટણી યોજાનાર છે. પાકિસ્તાનમાં પ્રતિબંધિત હાફીઝ સંગઠન જમાત ઉદ દાવાના રાજકીય ફ્રન્ટને પ્રતિબંધિત કરવાનો નિર્ણય લેવામાં આવી ચુક્યો છે. ત્યારબાદ મિલિ મુસ્લિમ લીગ દ્વારા અલ્લાહ ઓ અકબર તહેરીક નામના રાજકીય પક્ષ સાથે સેંકડો ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. ફેસબુકે ૨૫મી જુલાઈના દિવસે યોજાનાર ચૂંટણી પહેલા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દીધી છે. પાકિસ્તાની મિડિયામાં આજે અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સોશિયલ મિડિયાના ક્ષેત્રની અગ્રણી કંપની તમામ બાબતો ઉપર ધ્યાન આપી રહી છે. મંચના દુરુપયોગને રોકવા માટે એક સમર્પિત ટીમ પણ ફેસબુક દ્વારા સક્રિય કરી દેવામાં આવી છે. હાફીઝ સઇદને મોટો ફટકો ચૂંટણી પહેલા પડ્યો છે.

(9:05 am IST)