Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

લગ્ન પહેલાં મંગેતરને મોતને ઘાટ ઊતારનાર યુવક જબ્બે

ઉત્તર પ્રદેશના મુરાદાબાદની ચોંકાવનારી ઘટના : ભાવિ પતિએ મંગેતરને ખરીદીના બહાને બોલાવી, લગ્ન કરવા માગતો ન હોઈ એ બાબતે તકરાર થતાં હત્યા કરી

મુરાદાબાદ, તા. ૧૬ : ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં લગ્ન પહેલા મંગેતરે થનારી પત્નીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ મુરાદાબાદ જિલ્લામાં રહેતા મદનપાલસિંઘ પોતાની પુત્રીના લગ્ન હોવાથી તૈયારીઓમાં વ્યસ્ત હતા. લગ્નમાં ફક્ત પાંચ જ દિવસ બાકી હોવાથી લગ્નની કંકોત્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. આ દોડધામ દરમિયાન તેઓ બપોરના ભોજન માટે પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે તેઓ રસ્તામાં લોકોની ભીડ જોઈ અને શું થયું છે તે જોવા માટે બાઈક પાર્ક કરીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો રોડના કિનારે તેમની પુત્રીનો મૃતદેહ પડ્યો હતો. આ દ્રશ્ય જોઈને તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા.

મળતી માહિતી પ્રમાણે આ ઘટનાના થોડા કલાકો પહેલા પિતા સુરજનગર સ્થિત તેમના ઘરેથી લગ્નની કંકોત્રી વહેંચવા માટે ઘરેથી રવાના થયા હતા. આ દરમિયાન ૧૯ વર્ષની પુત્રી મીનાક્ષી સિંહ ઉર્ફે ટીનાને ગુડબાય પણ કહ્યું હતું. જેના લગ્નની તૈયારીઓમાં પિતા સતત વ્યસ્ત હતા. જો કે, ત્યાર પછી મીનાક્ષીના મંગેતર અને ભાવિ પતિ જિતિનનો ફોન આવ્યો, જે તેને શોપિંગ માટે બહાર લઈ જવા માંગતો હતો. પરંતુ તેના ઇરાદા કંઈક જુદા હતા.

મીનાક્ષીના હત્યા બાદ મંગળવારે પોલીસે જિતિનની ધરપકડ કરી હતી. પોલીસે કડક પૂછપરછ કરતા જિતિને કબૂલ્યું કે, તે મીનાક્ષી સાથે લગ્ન કરવા માંગતો નહોતો. આ મામલે બંને વચ્ચે દલીલ થઈ અને ત્યારબાદ જિતિને તેની હત્યા કરી નાખી. મીનાક્ષીના પરિવારના જણાવ્યા મુજબ જિતિને મીનાક્ષીને ખરીદી માટે બજારમાં પહોંચવાનું કહ્યું હતું. યુવકની યોજનાને ધ્યાનમાં રાખીને બસ સ્ટેન્ડ સુધી છોકરીની માતા તેની સાથે રહી હતી. જ્યારે તેના પિતા મદનપાલ કંકોત્રીની વહેંચણી માટે નજીકના ગામમાં હતા. અને થોડા કલાકો પછી પિતાને મીનાક્ષીની લાશ મુરાદાબાદના ઠાકુરદ્વારા વિસ્તારમાં રોડ પર મળી આવી હતી. મદનપાલે કહ્યું, 'મેં મારી પુત્રીના લગ્ન જિતિન સાથે નક્કી કર્યા હતા કારણ કે તે બંને એક બીજાને જાણતા હતા.

       ૬ જૂને અમે પ્રી-વેડિંગ સેરેમની દરમિયાન ગિફ્ટ આપી હતી. પરંતુ જિતિનના પરિવારના સભ્યો વધુ પૈસા માંગતા હોવાથી ખુશ નહોતા. જિતિને લગ્ન સ્થગિત કરવાનું પણ કહ્યું હતું પરંતુ તે શક્ય નહોતું કારણ કે અમે કંકોત્રી વહેંચી દીધી હતી અને વેન્યૂ પણ બૂક થઈ ગયું હતું. મુરાદાબાદ (ગ્રામીણ) એસ.પી. વિદ્યાસાગર મિશ્રાએ અમારા સહયોગી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાને કહ્યું કે, જિતિન વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન તેણે કહ્યું હતું કે તે છોકરી સાથે લગ્ન કરવા નથી માંગતો તેથી જ તેણે આવું પગલું ભર્યું. ૨૦ જૂનના રોજ આ દંપતીના લગ્ન થવાના હતા. હત્યામાં જિતિન સાથે અન્ય કોઈની પણ સંડોવણી હતી કે કેમ? તે અંગે પણ અમે તપાસ કરી રહ્યા છીએ.

(8:19 pm IST)