Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

કોંગ્રેસનો પલટવાર : નીતીશકુમાર પોતાનો કાર્યકાળ પુરો નહીં કરે : મહાગઠબંધનની સરકાર સતામાં આવશે

એલજેપીમાં ભંગાણ બાદ બિહારના રાજકારણમાં ગરમાવો : જેડીયુએ કહ્યું કોંગ્રેસના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે

પટના,તા.૧૬: લોક જનશકિત પાર્ટીમાં ચાલી રહેલા વિવાદના કારણે બિહારમાં રાજકારણ ગરમાયું છે.જેના કારણે કોંગ્રેસ અને જેડીયુ વચ્ચે નિવેદનબાજી જામી છે. એક તરફ જયાં જેડીયુ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમના સંપર્કમાં કોંગ્રેસના અનેક ધારાસભ્યો છે, તો બીજી તરફ હવે કોંગ્રેસે પલટવાર કર્યો છે. કોંગ્રેસે દાવો કર્યો છે કે નીતિશ કુમારની સરકાર બિહારમાં પાંચ વર્ષનો કાર્યકાળ પુરો નહીં કરી શકે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને એમએલસી પ્રેમચંદ્ર મિશ્રાએ જણાવ્યું કે બિહારની નીતિશ કુમાર સરકાર પોતાનો કાર્યકાળ પુરો નહીં કરી શકે અને જલ્દી તેજસ્વી યાદવના નેતૃત્વના મહાગઠબંધનની સરકાર બિહારમાં બનશે. તેમણે કહ્યું કે જેડીયુ દ્વારા સતત એવો માહોલ બનાવવામાં આવી રહ્યો છે કારણ કે જીતન રામ માંઝી અને મુકેશ સહાની જવાના છે.

તેમણે કહ્યું કે જેડીયુ એવું બતાવવા માંગે છે કે આ નેતાઓને એનડીએમાંથી કાઢ્યા બાદ પણ સરકાર ચાલતી રહેશે કારણ કે કોંગ્રેસના ધારાસભ્યો તૂટી જશે. પરંતુ વિધાનસભામાં નીતિશ સરકાર પડશે ને મહાગઠબંધનની સરકાર બનશે. તો જેડીયુના એમએલસી સંજય સિંહે મંગળવારે દાવો કર્યો હતો કે કેટલાક કોંગ્રેસ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને જલ્દી કોંગ્રેસ પાર્ટી તુટશે.

અત્રે ઉલ્લેખનીય છે કે બિહારમાં અત્યારે રાજનૈતિક ગરમાવો ઉભો થયો છે. નીતિશ વિરોધી એલજેપીના બે ભાગ થયા છે. ચિરાગ પાસવાનને પાર્ટીના અધ્યક્ષ અને સસંદીય દળના નેતાના પદ પરથી પણ દૂર કરવામાં આવ્યા છે. તેમના જ કાકા પશુપતિ પારસે આ બળવો કર્યો છે.

(4:07 pm IST)