Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટ્વીટરને ભારત સરકારે આપ્યો મોટો ઝટકોઃ કાનૂની સંરક્ષણ ખતમ : હવે થશે કાર્યવાહી

નવા આઇટી નિયમોનું પાલન નહીં કરવું એ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે

નવી દિલ્હી તા. ૧૬ : નવા આઈટી નિયમોનું પાલન નહીં કરવું એ માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને ભારે પડી ગયું છે અને હવે તેણે કાનૂની કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ટ્વિટરનું કાનૂની સંરક્ષણ ખતમ થઈ ગયું છે અને હવે તેણે કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ટ્વિટર તરફથી ૨૫મી મેથી લાગૂ થયેલા નવા આઈટી નિયમોનું અનુપાલન હજુ સુધી થયું નથી. જેને લઈને સરકાર તરફથી આ એકશન લેવાયું છે. હવે ટ્વિટર વિરૂદ્ઘ આઈપીસીની કલમો હેઠળ કેસ દાખલ થઈ શકે છે અને પોલીસ પૂછપરછ પણ કરી શકે છે. ઉત્ત્।ર પ્રદેશના ગાઝિયાબાદ સ્થિત લોનીમાં મુસ્લિમ વૃદ્ઘની પીટાઈના કેસને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં પોલીસે ટ્વિટર અને અન્ય ૮ લોકો વિરુદ્ઘ એફઆઈઆર દાખલ કરી છે. જેમના પર ધાર્મિક ભાવનાને  ભડકાવવાનો આરોપ લાગ્યો છે.

વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મુસ્લિમ વૃદ્ઘને કેટલાક યુવકો પીટાઈ કરી રહ્યા છે. આ વીડિયો અંગે એવો દાવો કરાયો હતો કે મુસ્લિમ હોવાના કારણે વૃદ્ઘની પીટાઈ કરાઈ છે. પરંતુ પોલીસ તપાસમાં એ જાણવા મળ્યું કે બે પરિવારોની અંગત અદાવતનો મામલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરીને તેને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.

(11:31 am IST)