Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી - મુંબઈમાં અધિષ્ઠાતા દેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ૫૪ મા વાર્ષિક પાટોત્સવની ઉજવણી અને વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો સદ્ભાવ પર્વ ઉજવાયો ...*

શ્રી સ્વામિનારાયણ ગાદી સુવર્ણ મહોત્સવના ઉપક્રમે : મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી - મુંબઈના ૫૪ મા વાર્ષિક પાટોત્સવે શ્રી સ્વામિનારાયણ ગાદીના પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના સાનિધ્યમાં  શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજ સદ્ભાવ પર્વ,  જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણો, યુવાનોના પ્રવચનો, દિવ્યાંગોની કીર્તન ભક્તિ વગેરેનો અધ્યાત્મ સભર કાર્યક્રમ યોજાયો હતો. 

 

શ્રી સ્વામિનારાયણ મંદિર, મહાલક્ષ્મી - મુંબઈમાં બિરાજમાન શ્રી  ઘનશ્યામ મહારાજના ૫૪ મા વાર્ષિક પાટોત્સવ દિને મંદિરમાં બિરાજમાન અધિષ્ઠાતા ઉપાસ્ય ઇષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન, પ્રાત: સ્મરણીય શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી અને શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું ષોડશોપચાર વિધિથી પૂજન - અર્ચન કરવામાં આવ્યું  હતું.

 

શ્રીસ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી  સ્વામીશ્રી મહારાજના પાવનકારી સાન્નિધ્યમાં પરમ ઉલ્લાસ અને ઉમંગભેર ઊજવવામાં આવેલા પાટોત્સવ પર્વે સંતો-ભક્તોએ વિવિધ પકવાન, ફરસાણ, લીલા મેવા –ફ્રુટ– ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય, અને ચોસ્યનો ભવ્ય અન્નકૂટની સુંદર કલાત્મક, મનોરમ્ય ગોઠવણીથી સજાવટ કરી હતી. ત્યારબાદ નીરાજન - આરતી, પ્રવર્તમાન આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના આશીર્વાદનું ઓનલાઇન દર્શન - શ્રવણ કર્યું હતું. 

 

આ પ્રસંગે આશીર્વચન આપતાં *પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે જણાવ્યું હતું કે,* ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાનો સંકલ્પ હતો કે મુંબઈમાં શિખરબંધ મંદિર બનાવવું છે.  એ સંકલ્પને પરિપૂર્ણ અક્ષરધામ તુલ્ય ભવ્ય મંદિરનું સર્જન  વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે કરી આપ્યું છે. તો આપણાં બાળકો, યુવાનોનું જીવન સુસંસ્કારી, નિયમશીલ બને તે માટે મંદિરનું નિર્માણ કરે છે. જેટલાં બાળકો, યુવાનો સારા સંસ્કારી બનશે તેટલું વૃદ્ધાવસ્થામાં સુખ થશે. જો બાળકને સંસ્કાર આપ્યા હશે તો બાળકો પણ સચવાશે સાથે સાથે ધન વારસો પણ સચવાશે.  બધાએ આ ખટકો રાખવાનો છે. યુવાનો દરરોજ સવારે ભગવાનનાં દર્શનનો નિયમ રાખશો તો તમે જે જે કાર્યો કરશોને તેમાં ભગવાન ભેગા ભળશે. ભવિષ્યકાળને મહાન બનાવવા માટે વર્તમાનકાળને મહાન બનાવો તેના માટે મનમુખી મટી ગુરુમુખી થવું પડે. ભગવાન અને ભગવાનના સત્પુરુષોના વચન પ્રમાણે નિર્વ્યસની થઈ ભગવદ્ભક્તિ કરી મનુષ્ય જીવનને સાર્થક બનાવો. જે કોઈ જીવ મુંબઈ મંદિરના ઘનશ્યામ મહારાજનાં દર્શનાર્થે મંદિરના પગથિયાં ભૂલે ચૂકે ચઢશે, આ ઘનશ્યામ પ્રભુને હાથ જોડશે એનો ફેરો ખાલી નહીં જવા દઈએ. આ મંદિરમાં શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા ત્યારથી અહીં અખંડ સાકરનો પ્રસાદ વહેંચાય છે.

સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન સદાય સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ છે. આ આપણી સર્વોપરી ઉપાસનાનો એકડો છે. સાકાર સ્વરૂપની દ્રઢતા નવડા જેવી કરવાની. સમજણ પૂર્વકની ભગવાનની ઉપાસના, ભકિત કરવી.

આ અવસરને માણવા ભારતના વિવિધ રાજ્યોના તેમજ આફ્રિકા, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુ.કે. વગેરે દેશોમાંથી હરિભક્તોએ ઓનલાઇન દર્શનનો લ્હાવો લીધો હતો.

 

સં. શિ. દિવ્યદર્શનદાસજી સ્વામી

મહંત

 

(11:10 am IST)