Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

૯ થી ૧૪ ટકા જેટલો ભાવ વધારો

ટ્રકો દોડતા થયા પણ ભાડુ વધી ગયું

મુંબઈ, તા. ૧૬ :. રાજ્યોના કડક લોકડાઉનને તબક્કાવાર રીતે ખોલાયા પછી છેલ્લા એક પખવાડીયા દરમ્યાન મોટાભાગના મુખ્ય માર્ગો પર ટ્રકના માલભાડામાં ઝડપી વધારો થયો છે. લોકડાઉનના કારણે દેશભરમાં આર્થિક ગતિવિધિઓ ઠપ્પ થઈ ગઈ હતી.

નવી દિલ્હી સ્થિત એક થીંક ટેંક ઈન્ડીયન ફાઉન્ડેશન ઓફ ટ્રાન્સપોર્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીંગ (આઈએફટીઆર)ના તાજા આંકડાઓ અનુસાર મોટાભાગે જથ્થાબંધ માલના ફેકટરી ઉત્પાદનમાં વધારો અને ગયા વર્ષના નિચલા આધારના કારણે માલભાડાના દરો દેશમાં સરેરાશ ૧૨ ટકા વધ્યા છે. માલભાડાના દરોને આર્થિક ગતિવિધિઓનો સંકેત માનવામાં આવે છે. ક્રિસીલ રિસર્ચના ડાયરેકટર અજય શ્રીનિવાસન કહે છે કે માલભાડાના દરોમાં વધારો ઉત્સાહજનક છે પણ પૂર્ણ સુધારાનો માર્ગ લાંબો છે.

તેમણે કહ્યું કે અત્યારે એક તૃત્યાંશથી વધારે ટ્રકો બેકાર ઉભા છે. જ્યાં સુધી તે બધા કામે નહીં વળગે ત્યાં સુધી સુધારો સંપૂર્ણ નહીં થાય. આઈએફટીઆરટીએ કહ્યું કે ડીઝલની કિંમતો ૨.૬૦ રૂપિયા પ્રતિ લીટર વધીને ૯૦ રૂપિયા ઉપર ગઈ છે સાથે જ બજારમાં ટ્રકોના ટાયરોની કિંમતો પણ ૬ થી ૮ ટકા વધી છે. આ બન્નેની કિંમતોનો ટ્રકોના પરિચાલનની પડતરમાં ૯૦ ટકા હિસ્સો હોય છે. માલભાડા વધવાથી ટ્રક માલિકોને ડીઝલની કિંમતોમાં તીવ્ર વધારાથી થોડી રાહત મળી શકે છે.

(10:10 am IST)