Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

તારાપુર પાસે અકસ્માતમાં ૯ના મોત

સવારે મહારાષ્ટ્રથી વ્યવહારીક કામ માટે કન્યા જોઈને પરત ફરી રહ્યા હતા ત્યારે ઈકો કાર અને ટ્રક વચ્ચે દુર્ઘટના સર્જાઈઃ નાના એવા વરતેજ ગામમાં ગમગીની : ભાવનગરના વરતેજના મુસ્લિમ-ઘાંચી પરિવારના બે દંપતિ અને તેના બે સંતાનોનો ભોગ લેવાયો : ઈકો કારના ડ્રાઈવર ઉકાભાઈ ગોહિલનો પણ ભોગ લેવાયોઃ આણંદના કલેકટર ઘટના સ્થળે દોડી ગયાઃ મૃતદેહોને એમ્બ્યુલન્સ મારફત વતન પહોંચાડવા કાર્યવાહી

તસ્વીરમાં અકસ્માત સર્જાતા ઈકો કાર ટ્રકમાં ઘુસી ગયેલી હાલતમાં નજરે પડે છે. તેમજ ઈકો કારમાં મૃતદેહો પણ નજરે પડે છે(તસ્વીરઃ મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)

(જીતેન્દ્ર રૂપારેલીયા-મેઘના વિપુલ હિરાણી દ્વારા) વાપી-ભાવનગર, તા. ૧૬ :. આણંદ નજીકના તારાપુર ચોકડી પાસે આજે સવારે સર્જાયેલ અકસ્માતમાં એક સાથે ૯ વ્યકિતના મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ભાવનગર જિલ્લાના વરતેજથી મુસ્લિમ-ઘાંચી પરિવારના સભ્યો મહારાષ્ટ્ર વ્યવહારીક કામ કન્યા જોવા ગયા હતા અને મહારાષ્ટ્રથી આજે સવારે પરત ફરી રહ્યા હતા ત્યારે આણંદ જિલ્લાના તારાપુર ચોકડી પાસે ઈકો કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ આજે સવારે ૬.૩૦ વાગ્યે ઈકો કાર નં. જીજે ૧૦ટીવી ૦૪૦૯ અને ટ્રક નં. એમપી ૦૯ એચ-૧ ૯૬૪૨ વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તારાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી પટેલ અને ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો અને મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં આ અકસ્માતનો ભોગ બનેલા ૮ વ્યકિતઓ ભાવનગર જિલ્લાના વરતેજના આદમજીનગર અને ઈન્દીરાનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યુ છે.

મૃતકોમાં રહીમભાઈ સૈયદ (ઉ.વ. ૬૦), મુસ્તુફા ડેરૈયા (ઉ.વ.૨૨), સિરાજભાઈ અજમેરી (ઉ.વ. ૪૦), મુમતાજબેન અજમેરી (ઉ.વ. ૩૫), રઈશ સિરાજભાઈ (ઉ.વ. ૪), અનીશાબેન અલ્તાફભાઈ (ઉ.વ. ૩૦), અલ્તાફભાઈ (ઉ.વ. ૩૫), મુસ્કાન અલ્તાફભાઈ (ઉ.વ. ૬) અને ગાડીના સીદસર ગામના ડ્રાઈવર ઉકાભાઈ ગોહિલનો ભોગ લેવાયો છે.

આણંદ કલેકટર આ બનાવ બાદ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકોના પરિવારજનો સાથે ટેલીફોનિક વાતચીત કરીને સાંત્વના પાઠવી હતી તેમજ મૃતદેહોને વતન વરતેજ લઈ જવા માટે વ્યવસ્થા કરી હતી.

આ અકસ્માતમાં દંપતિ અને તેની એક પુત્રી તથા અન્ય એક દંપતિ તથા તેના પુત્રનો ભોગ લેવાયો છે.  આ ગમખ્વાર અકસ્માતમાં લાશોના ચીથરા ઉડી ગયા હતા. મૃતદેહો ઈકો કારમાં મૃત હાલતમાં જ જોવા મળ્યા હતા. ઈકો કાર અડધી ટ્રકમાં ઘુસી જતા ઘટના સ્થળે જ ૯ વ્યકિતઓના મોત નિપજ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોને ઈકો કારમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટના તારાપુર પોલીસ સ્ટેશનની હદમાં બનાવ બન્યો છે. આ દુર્ઘટના સર્જાયા બાદ ટ્રકચાલક ઘટના સ્થળે જ ફરાર થઈ ગયો હતો. સ્થાનિક લોકોની મદદથી દુર્ધટનામાં ભોગ બનેલા મૃતકોને તારાપુર રિફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. કારમાં સવાર ૧૦ લોકોમાં પાંચ પુરુષ, ત્રણ મહિલા અને બે બાળકનો સમાવેશ થાય છે.

અકસ્માત બાદ બંને બાજુ ટ્રાફિકજામ

રાજકોટ તા. ૧૬ : તારાપુર પાસે સર્જાયેલ અકસ્માતમાં ૧૦ના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે. સવારે ૬.૩૦ વાગ્યે અકસ્માત સર્જાયા બાદ બંને બાજુ ટ્રાફિક જામ થઇ ગયો હતો.

આ બનાવ બાદ તારાપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પટેલ અને ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

ઇકો કાર અડધી થઇ ગઇ

વાપી તા. ૧૬ : આણંદ અકસ્માતમાં ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કારમાં સવાર એક જ પરિવારના ૧૦ લોકોના કરૂણ મોત નિપજ્યા છે. આ અકસ્માત તારાપુર ઇન્દ્રાજ પાસે થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકની ટક્કરે ઇકો કાર અડધી થઇ ગઇ હતી. ઇકો કારમાં એક બાજુ લાશોનો ઢગલો થઇ ગયો હતો. ક્ષતવિક્ષત હાલતમાં ઇકો કારમાં લાશો પડી હતી. અરેરાટીભર્યા અકસ્માતનો નજારો જોઇને દરેક કોઇના મનમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઇકો કારના સ્પેરપાર્ટસ પણ બહાર આવી ગયા હતા.

રોડનું કામ વર્ષોથી ચાલે છે : અંધારામાં બંને વાહનો અથડાયા

વાપી તા. ૧૬ : આ અકસ્માત તંત્રના વાંકે થયો હોવાનું કહી શકાય. અકસ્માત વાસદ બગોદરા હાઇવે પર સર્જાયો હતો, જેનું લાંબા વર્ષોથી રોડનું ચાલી રહ્યું છે. વિવાદોને કારણે છ લેન હાઇવેનું કામ ધકેલપંચે ચાલી રહ્યું છે. જેથી વર્ષોથી એક જ સાઇડનો રોડ ચાલુ હતો. તેથી વહેલી સવારના અંધારામાં બે ગાડીઓ સામસામે ભટકાઇ હતી.

(3:10 pm IST)