Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

સાયબર ફ્રોડ સામે દેશવ્યાપી અભિયાન:18 રાજ્યોમાં કાર્યરત મોટી ગેંગનો પર્દાફાશ : 350 આરોપીની ઓળખ:આઠ ઝડપાયા

333 મોબાઇલ ફોન અને 100 બેંક ખાતા પણ કબજે : 900 મોબાઇલ ફોન, 1000 બેંક ખાતા અને સેંકડો યુપીઆઈ અને ઇ-કોમર્સ આઈડીની પણ તપાસ

નવી દિલ્હી :કેન્દ્ર સરકારે સાયબર ફ્રોડ સામે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. આ પ્રકારની કામગીરીમાં આ પહેલા 18 રાજ્યોમાં કાર્યરત સાયબર ઠગની મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. ગૃહ મંત્રાલયના સાયબર સિક્યુરિટી વિંગના સહયોગથી રાજ્યની અનેક પોલીસ, ફિંટેક (નાણાકીય ટેકનોલોજી) કંપનીઓ અને તપાસ એજન્સીઓએ 350 આરોપીઓની ઓળખ કરી હતી, જેમાંથી આઠની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમની પાસેથી 333 મોબાઇલ ફોન મળી આવ્યા છે અને 100 બેંક ખાતા પણ કબજે કરવામાં આવ્યા છે. શંકાના આધારે 900 મોબાઇલ ફોન, 1000 બેંક ખાતા અને સેંકડો યુપીઆઈ અને ઇ-કોમર્સ આઈડીની પણ તપાસ કરવામાં આવી રહી છે.

ગૃહ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સાયબર ઠગની આ ગેંગ લોકો પરસ્પર સંકલનમાં લોકોને પીડિત કરતી હતી. જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલી ગેંગના સભ્યોએ જુદી જુદી ભૂમિકા ભજવી હતી, જેના કારણે એક રાજ્યની પોલીસને સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવો મુશ્કેલ બન્યું હતું.વધુમાં અધિકારીએ જણાવ્યું હતું કે , ઓટીપી છેતરપિંડી, ક્રેડિટ કાર્ડની છેતરપિંડી, ઇ-કોમર્સની છેતરપિંડી, નકલી ઓળખકાર્ડ બનાવવી, બનાવટી મોબાઇલ નંબર મેળવવા, બનાવટી સરનામાં તૈયાર કરવા, મની લોન્ડરિંગ અને ચોરી કરેલી ચીજોની ખરીદી અને વેચાણ જેવા કાર્યો ગેંગના સભ્યોમાં વહેંચવામાં આવ્યા હતાં

11 જૂનના રોજ સાયબરસેફ વેબસાઇટ પર ફોન ફ્રોડનો આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો અને ચાર દિવસમાં જ આ ગેંગનો પર્દાફાશ થયો હતો. રાજસ્થાનના ઉદેપુરમાં રહેતા એક 78 વર્ષિય વૃદ્ધાએ સાયબરસેફે પર 6.5 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. ટૂંક સમયમાં જ ખબર પડી કે તેના ખાતામાંથી કાપવામાં આવેલી રકમ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ત્રણ કાર્ડમાં જમા કરાઈ છે, જેમાંથી ફ્લિપકાર્ટ પર ઝિઓમી કંપનીના 33 મોંઘા મોબાઈલ ફોન ખરીદવામાં આવ્યા છે. મિનિટોમાં જ ખબર પડી કે આ મોબાઇલ ફોન મધ્યપ્રદેશના બાલાઘાટમાં પહોંચાડાયા છે. આ બાતમીના આધારે બાલાઘાટ એસપીએ તુરંત આરોપી હુકમસિંહ બિસેનને માત્ર કસ્ટડીમાં લીધો અને તેની પાસેથી તમામ 33 મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા.

સંજય મહાતોનને પોલીસે કસ્ટડીમાં લીધો હતો. આ પછી, દેશભરમાં ફેલાયેલી આ ગેંગના સભ્યોની તપાસ શરૂ થઈ અને અત્યાર સુધીમાં મધ્યપ્રદેશના હુકુમસિંહ બિસેન અને ઝારખંડના સંજય મહતો સહિત ચાર લોકો તેમજ આંધ્રપ્રદેશના બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. તે જ સમયે, 350 લોકોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે

(12:00 am IST)