Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

બિહારમાં શહિદ કમાન્‍ડોની બહેનના લગ્‍નમાં ૧૦૦ ગરૂડ કમાન્‍ડોએ હાજરી આપી બહેનને વિદાય આપી પ્રસંગ દિપાવ્‍યો : હથેળીઓ જમીન પર રાખીને બહેનને વિદાઈ કરી

નવી દિલ્‍હી તાજેતરમાં બિહારમાં એક લાગણીસભર રીતે કન્યા વિદાઈ થઈ. વાત છે બિહારની, જ્યાંના શહીદ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાની બહેન શશિકલાના લગ્નમાં ઈન્ડિયન એર ફોર્સના સો જેટલા ગરૂડ કમાન્ડો હાજર રહ્યા હતા. એટલું જ નહીં ગરૂડ કમાન્ડોઝે ગામની પરંપરા મુજબ શહીદની બહેનને જમીન પર હથેળીઓ મૂકીને બહેનને એ હથેળીઓ પર ચલાવી અને તેને લગ્નમંડપ સુધી લઈ ગયા હતા.

શહીદ ભાઈની આ બહેનની આવી વિદાઈથી લગ્નમાં ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી. તો શહીદ જ્યોતિ પ્રકાશ નિરાલાના પિતાએ આનંદ વ્યક્ત કર્યો હતો કે એરફોર્સના જવાનોએ શહીદ દીકરાની કમી મહેસૂસ થવા દીધી નહોતી.

ઉલ્લેખનીય છે કે ગરૂડ કમાન્ડો જ્યોતિ પ્રકાશ નિરાલાએ બાંદીપુરામાં થયેલી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં આતંકવાદીઓનો સામનો કર્યો હતો અને આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. સાથોસાથ એ ધિંગાણા વખતે તેમણે તેમના સાથી ઘાયલ જવાનોની પણ મદદ કરી હતી. જોકે કમનસીબે એ મુઠભેડમાં જ્યોતિ પ્રકાશ નિરાલા શહીદ થતા હતા. તેમની બહાદૂરીને ધ્યાનમાં રાખીને તેમણે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મરોણત્તર અશોકચક્ર એનાયત કર્યું હતું.

(2:41 pm IST)