Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ઉત્તર પ્રદેશના જંગલ વિસ્તારોમાં ભૂગર્ભ આગને કારણે લોકો ભયભીત થઇ રહ્યા છે : લોકોએ આવી ઘટના પ્રથમવાર જોઇ

લખીમપુર ખીરી, : ઉત્તર પ્રદેશના મોહમદી જંગલ વિસ્તારમાં ભૂગર્ભ આગની ઘટનાને કારણે આસપાસના ગામડાઓના લોકોમાં ડર અને આશ્ચર્યનો માહોલ છવાયો છે. દક્ષિણ ખીરી જંગલ વિસ્તારમાં આવેલા ગામડાઓના રહેવાસીઓએ જણાવ્યા મુજબ જમીનની તિરાડોમાંથી ધૂમાડાના ગોટેગોટા બહાર આવી રહ્યા છે અને અમુક વિસ્તારોમાં જમીન ચમકતા, ગરમ કોલસા જેવી બની ગઈ છે.

મુડા ગાલિબ ગામના રહેવાસી એવા ૭૨ વર્ષીય હુકમ સિંહે પોતે પ્રથમ વખત આ પ્રકારની ઘટનાના સાક્ષી બન્યા હોવાનું જણાવ્યું હતું અને સાથે જ પોતાના પાકને નુકસાન થશે તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અમુક ગ્રામ્યવાસીઓ આ ઘટનાને કુદરતનો ચમત્કાર ગણાવી રહ્યા છે જ્યારે અમુક લોકો તેની સરખામણી જ્વાળામુખી સાથે કરી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતા જ અધિકારીઓની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. મોહમદીના તહસીલદાર વિકાસ દુબેના જણાવ્યા મુજબ આ એક કુદરતી ઘટના છે જેમાં જમીનના અંદરના ભેજવાળા સ્તરમાં આગ લાગે છે. ભૂગર્ભ આગને કારણે જમીન અંદરથી તપી રહી છે અને ઉપરની પરત હટાવવાથી ધૂમાડા ઉઠતા જોવા મળે છે. તેમાં જમીનની અંદર કોલસાની ભઠ્ઠી સળગી રહી હોવાનું અનુભવાય છે પરંતુ આગની જ્વાળાઓ બહાર નથી આવતી.

વિકાસ દુબેના કહેવા પ્રમાણે જ્યાં ભૂગર્ભ આગ લાગી છે તે જમીન અનેક દસકાઓથી ઉજ્જડ છે અને આસપાસના જંગલના પાંદડાઓ અને ડાળીઓ વગેરેનો તેના પર મોટો થર છવાયેલો છે. ઘાંસ, પાંદડાઓ વગેરેના કારણે તે જમીન ભેજવાળી બની ગઈ છે અને ભૂગર્ભ આગના સંપર્કમાં આવવાથી જમીનની તિરાડોમાંથી ધૂમાડો બહાર આવી રહ્યો છે. આ બનાવની જાણ થતા જ વન્ય અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આસપાસના જંગલોમાં આગને પ્રસરતી રોકવા માટે તેમણે અસરગ્રસ્ત જમીન વિસ્તારની ફરતે ઉંડા ખાડાઓ ખોદી દીધા હતા.

 

(12:57 pm IST)